અમેરિકામાં હંટર બાઈડનના ચર્ચિત લેપટોપ કેસને લઈને નવો વળાંક આવ્યો છે, જ્યાં એક યુએસ ફેડરલ જજે પ્રોસિક્યુટર્સની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડનના પુત્ર હંટર બાઈડનના લેપટોપ મામલે કોંગ્રેસ સમક્ષ ખોટું બોલવાનો આક્ષેપ પૂર્વ FBI ઓફિશિયલ્સ નિક્કી ફ્લોરિસ અને બ્રેડલી બેનાવિડેઝ પર મૂકવામાં આવ્યો છે. આ કેસમાં જજ ઝિયા ફારુકીએ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાતોરાત દાખલ કરવામાં આવેલી સુધારેલી ફરિયાદને ફગાવી દીધી હતી, જેમાં નવો ઓબ્સ્ટ્રક્શનનો ચાર્જ જોડવામાં આવ્યો હતો. જજે નોંધ્યું હતું કે આવી કોઈ પણ ચાર્જશીટ દાખલ કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જરૂરી હોય છે, પરંતુ પ્રોસિક્યુટર્સે વગર મંજૂરીએ સીધી જ ડોકેટમાં ફરિયાદ ફાઇલ કરી દીધી હતી, જે બિલકુલ અનુચિત છે.
આ મામલે યોજાયેલી લાંબી સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોના સવાલો પર એજન્ટ બ્રાયન વિટ્ટે સ્વીકાર્યું હતું કે આ ઇન્વેસ્ટિગેશન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના જુલાઈના ભાષણ પછી શરૂ કરાયું હતું. એજન્ટે જણાવ્યું કે FBI ડાયરેક્ટર કાશ પટેલના આદેશથી આ તપાસ શરુ થઈ હતી અને તેમને આ તપાસ સોંપાતા શરૂઆતથી જ તેમાં રાજકીય દખલગીરી હોવાની શંકા હતી. પ્રોસિક્યુટર્સ દ્વારા અપનાવવામાં આવેલી આ અસામાન્ય પદ્ધતિ પર જજ ફારુકીએ પણ સવાલ ઉઠાવ્યા હતા કે તેમણે ક્યારેય આવી રીતે વગર સહીની ક્રિમિનલ કમ્પ્લેઈન ફાઇલ થતી જોઈ નથી. ડિફેન્સ લૉયર્સે આક્ષેપ કર્યો હતો કે આ પ્રોસિક્યુશન કાયદાકીય બાબત કરતાં રાજકીય સ્ટંટ વધારે લાગે છે, કારણ કે આરોપીઓ પર 2023ની પૂછપરછ દરમિયાન લેપટોપ વિશે અજાણ હોવાનો દાવો કરવાનો આરોપ છે, જ્યારે બચાવ પક્ષનું કહેવું છે કે વર્ષો જૂની ઘટનામાં કોઈને ખોટું બોલવા માટે ફસાવવામાં આવી રહ્યા છે.
હંટર બાઈડનના આ લેપટોપનો વિવાદ 2020ની ચૂંટણીના અંતિમ સપ્તાહોમાં ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ બાદ સામે આવ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે હંટર બાઈડને ડેલાવેરની એક કમ્પ્યુટર રીપેર શોપ પર લેપટોપ મૂક્યું હતું. આ મામલે ભૂતકાળમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને ડેમોક્રેટ્સ દ્વારા વિદેશી હસ્તક્ષેપની આશંકા વ્યક્ત કરાઈ હતી. જોકે, પાછળથી હંટર બાઈડનને ગન અને ટેક્સ ચાર્જિસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને અંતે 2024ના અંતમાં પૂર્વ પ્રેસિડેન્ટ જો બાઈડને પોતાના પુત્રને માફી આપી દીધી હતી. હાલ તો કોર્ટમાં આ મામલે ચાલી રહેલી ખેંચતાણને કારણે આ કિસ્સો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ કેસમાં શું નવું સામે આવે છે તેના પર સૌની નજર છે.
