દેશભરના મેડિકલ સ્ટુડન્ટ્સ માટે મહત્વના ગણાતા નીટ-પીજી 2026 કાઉન્સિલિંગના પ્રથમ રાઉન્ડના આંકડા સામે આવ્યા છે, જેમાં ડોક્ટરોની પસંદગી સ્પષ્ટ દેખાઈ રહી છે. મેડિકલ કાઉન્સિલિંગ કમિટીની લિસ્ટ મુજબ ટોપ 100 એન્ટ્રીમાં જનરલ મેડિસિન બ્રાન્ચ સૌથી આગળ રહી છે. આ રિઝલ્ટથી એ વાત સાબિત થાય છે કે સ્ટુડન્ટ્સમાં ક્લિનિકલ પડકારો અને એવરગ્રીન બ્રાન્ચ તરીકે મેડિસિનનું આકર્ષણ હજુ પણ યથાવત છે.
આ કાઉન્સિલિંગના ડેટા પર નજર કરીએ તો ટોપ 100 સ્ટુડન્ટ્સમાંથી 51 જણાએ જનરલ મેડિસિન પસંદ કરી છે, જ્યારે 28 સ્ટુડન્ટ્સ સાથે રેડિયોડાયગ્નોસિસ બીજા નંબરે રહી છે. આ રેસમાં ડર્મેટોલોજી એટલે કે ત્વચા રોગની બ્રાન્ચ 6 સીટો સાથે દૂર ત્રીજા સ્થાને રહી, જ્યારે પીડિયાટ્રિક્સ અને જનરલ સર્જરીમાં માત્ર 3-3 જ ફાળવણી થઈ છે. એઈમ્સના પ્રોફેસર ડો. નીરજ નિશ્ચલના કહેવા મુજબ જનરલ મેડિસિન એવા કેન્ડિડેટ્સને આકર્ષે છે જેઓ દર્દીઓ સાથે સીધો સંવાદ અને કોમ્પ્લેક્સ બીમારીઓ હેન્ડલ કરવાનું પસંદ કરે છે.
રેડિયોલોજી શરૂઆતમાં સારી કમાણી અને લાઈફ-વર્ક બેલેન્સ આપતી હોવાથી લોકપ્રિય છે, પરંતુ તેમાં લાંબા ગાળે એઆઈ ટેકનોલોજીની અસર પણ વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે. બીજી તરફ, મેડિસિનમાં લાંબા ગાળે સુપર-સ્પેશિયાલાઈઝેશન અને ગ્રોથની મોટી તકો મળે છે, જોકે તેમાં સેટલ થવામાં 2 થી 3 વર્ષ વધુ લાગે છે. નિષ્ણાતો માને છે કે માત્ર ઝડપી કમાણીને બદલે ડોક્ટર તરીકે આત્મસંતોષ આપતી બ્રાન્ચ પસંદ કરવી હંમેશા વધુ હિતાવહ રહે છે.
