ગાંધીનગર શહેરમાં ગેરકાયદેસર રીતે પાણી અને ગટરના જોડાણો મેળવનારાઓ સામે હવે મહાનગરપાલિકાએ સખત વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા હાલમાં જ એક ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના કારણે બિલ્ડરો અને મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ન્યૂ ગાંધીનગર ગણાતા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક ફરિયાદો ઉઠી હતી કે કેટલાક લોકો નિયમો નેવે મૂકીને વગર મંજૂરીએ પાણી અને ગટરના કનેક્શન જોડી રહ્યા છે. અગાઉ તંત્રએ આવા લોકોને સ્વૈચ્છિક કનેક્શન હટાવી લેવા માટે ચેતવણી પણ આપી હતી, પરંતુ તેમ છતાં ગેરકાયદે જોડાણો ચાલુ રહેતા મનપાએ આખરે મેદાને ઉતરીને સપાટો બોલાવ્યો છે.
આ સઘન તપાસ દરમિયાન કુડાસણ, સરગાસણ, રાયસણ, કોલવડા ઉપરાંત રાંધેજા અને પેથાપુર જેવા વિસ્તારોને મુખ્યત્વે આવરી લેવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસમાં જ મનપાની ટીમે કડક કાર્યવાહી કરીને નિયમોનો ભંગ કરી રહેલા આસામીઓને શોધી કાઢ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન ગેરકાયદે રીતે લેવાયેલા 16 જેટલા પાણી અને ગટરના જોડાણોને તાત્કાલિક ધોરણે સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગેરકાયદે કનેક્શન ધરાવતા કુલ 61 જેટલા મિલકતધારકોને કાયદેસરની નોટિસો ફટકારીને ખુલાસો પૂછવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આનાથી પણ વધુ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો આપ્યા છે.
શહેરમાં હાલ રાઉન્ડ ધ ક્લોક પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાથી પાણીની ડિમાન્ડ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે આવા ગેરકાયદે જોડાણોને કારણે મનપાની સમગ્ર પાણી પુરવઠા વ્યવસ્થા ખોરવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના રહેણાંક કે વાણિજ્યિક એકમોના પાણી અને ગટરના જોડાણો સંપૂર્ણપણે કાયદેસર અને મનપાના નિયમો મુજબના જ હોવાની ખાતરી કરે. શહેરની જાહેર સુવિધાઓ જળવાઈ રહે અને પાણીનું વિતરણ વ્યવસ્થિત થઈ શકે તે માટે નાગરિકો જાગૃત બને અને તંત્રને સહકાર આપે તેવી ખાસ વિનંતી કરવામાં આવી છે.
