ડીસા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તા.12/10/2026 ના રોજ ટાઉન પ્લાનિંગ સમિતિમાં ઠરાવ કરીને ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો સીલ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ કાર્યવાહીની સત્તા નગરપાલિકાના મુખ્ય અધિકારીને સોંપવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ પણ શહેરમાં અનેક સ્થળોએ બિલ્ડરો દ્વારા નિયમો વિરુદ્ધના બાંધકામો કરાયા હોવાની ફરિયાદો ઉઠતી રહી છે, ત્યારે પાલિકાનું આ પગલું ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ખળભળાટ મચાવનારું સાબિત થઈ રહ્યું છે.
આ મામલે સત્તાવાર કાર્યવાહી આગળ વધારતા નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા તા.23/10/2026 ના રોજ કુલ 15 મિલકત ધારકોને આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં સંબંધિત મિલકત માલિકોને તા.27/10/2026 સુધીમાં પોતાના ખર્ચે દુકાનો કે શોપિંગ સેન્ટરમાં રહેલો માલ-સામાન ખાલી કરી દેવા માટે તાકીદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગમે ત્યારે સીલિંગની કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ હતી. આ નોટિસની મુદત પૂરી થઈ ગઈ હોવાથી હવે ગ્રાઉન્ડ ઝીરો પર ક્યારે કાર્યવાહી થશે તે જોવા માટે આખું શહેર ઉત્સુક છે અને અધિકારીઓ કોઈ દબાણ હેઠળ આવે છે કે કેમ તેની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ સમગ્ર સ્થિતિને કારણે કમાણીની લાલચમાં કરોડો રૂપિયાનું રોકાણ કરીને ગેરકાયદેસર શોપિંગ ખરીદી ચૂકેલા મિલકત ધારકો ભારે મૂંઝવણમાં મુકાયા છે કારણ કે હવે તેમની મૂડી જોખમમાં મુકાઈ છે. સ્થાનિક નાગરિકો અને રોકાણકારોમાં એવી પ્રબળ માંગ ઉઠી છે કે માત્ર નોટિસ આપીને અટકી જવાના બદલે પાલિકાએ આ ગેરકાયદેસર બાંધકામો સીલ કરીને તાત્કાલિક તોડી પાડવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ બિલ્ડર સામાન્ય લોકોની ગાઢ કમાણી સાથે ચેડાં કરવાની હિંમત ન કરે. આગામી સમયમાં નગરપાલિકા આ મામલે કેવું પગલું ભરે છે તેના પર જ આખી બાજીનો આધાર રહેલો છે.
