હારીજ ખાતે આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા છાત્રાલયમાં રહેતી ધોરણ-12 સાયન્સની 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મંગળવારની વહેલી સવારે બાથરૂમમાં શંકાસ્પદ સંજોગોમાં ગળે ફાંસો ખાવાથી મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અને છાત્રાલયમાં ભારે શોક ફેલાઈ ગયો હતો. આ અચાનક બનેલી ઘટનાને કારણે છાત્રાલયમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓમાં પણ ભારે ડર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં પરીક્ષામાં પેપર સારું ન જતાં અભ્યાસના ટેન્શન અને ચિંતાને કારણે આ વિદ્યાર્થિનીએ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે આ ઘટના પાછળનું સાચું અને ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
સાંતલપુર તાલુકાના બાવરડા ગામની વતની હીનાબેન વેલજીભાઈ જાખેસરા છેલ્લા 4 વર્ષથી હારીજની આ છાત્રાલયમાં રહીને ભણતી હતી. ધોરણ-9 થી અહીં પ્રવેશ મેળવીને તે હાલ ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરી રહી હતી અને આ છાત્રાલયમાં કુલ 100 જેટલી વિદ્યાર્થિનીઓ રહીને નજીકની સ્કૂલોમાં ભણે છે. મંગળવારે વહેલી સવારે હીનાબેન સ્નાન કરવા બાથરૂમમાં ગઈ હતી અને લાંબો સમય સુધી બહાર ન આવતા અન્ય બહેનોએ દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ અવાજ ન આવતા ગૃહમાતાને જાણ કરાઈ હતી અને દરવાજો ખોલતા હીનાબેન બેભાન હાલતમાં મળી આવી હતી, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ હારીજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થિનીને હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. ત્યારબાદ વધુ તબીબી કાર્યવાહી માટે મૃતદેહને ધારપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આશાસ્પદ દીકરીના અચાનક અને આ રીતે ચાલ્યા જવાથી બાવરડા ગામે રહેતા તેના પરિવારજનો પર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
