JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ફ્રી માર્કેટના નામે ફાર્મા કંપનીઓની લૂંટ ચલાવી લેવાય નહીં: સુપ્રીમ કોર્ટ

Oct 28, 2026 | 03:05 | By JAMNAGAR MIRROR
ફ્રી માર્કેટના નામે ફાર્મા કંપનીઓની લૂંટ ચલાવી લેવાય નહીં: સુપ્રીમ કોર્ટ
દવાઓના ઊંચા ભાવ અને મોંઘા એમઆરપીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ફાર્મા ઇન્ડસ્ટ્રી સામે લાલ આંખ કરી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે નાગરિકોના જીવ કરતાં કોમર્સ કે બિઝનેસ મોટો હોઈ શકે નહીં અને ગરીબ દર્દીઓની કિંમતે કંપનીઓને છૂટો દોર ન આપી શકાય.

નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે ફ્રી માર્કેટના નામે મેડિસિન ઇન્ડસ્ટ્રી દ્વારા મનસ્વી રીતે ઊંચા ભાવ વસૂલવા સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે કેટલાક કેસમાં રિટેલર્સને જે ભાવે દવા વેચાય છે તેના કરતા 1000% સુધી વધુ એમઆરપી વસૂલવામાં આવે છે, જે સામાન્ય માણસ માટે મોટી મુસીબત બની ગઈ છે. કોર્ટે આ મામલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ પ્રકારની લૂંટ સાંખી લેવાય નહીં અને સરકાર પાસે જવાબ માંગ્યો કે ઊંચા એમઆરપી પાછળનો તર્ક શું છે અને આનો આખરી ફાયદો કોને મળે છે. નોન-પેટેડ દવાઓ અને મેડિકલ કન્ઝ્યુમેબલ્સને પણ પ્રાઇસ કંટ્રોલ હેઠળ લાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ઓર્ડર રિઝર્વ રાખ્યો છે.

સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ બચાવ કરતા કહ્યું કે સરકાર આ સમસ્યાથી વાકેફ છે અને તાજેતરમાં જ એન્ટી-કેન્સર દવાઓના ભાવ કેપ કરવામાં આવ્યા છે. જોકે, કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે સરકારે તો કોર્ટની કડક નોંધ બાદ જ આંખ ખોલી છે અને માત્ર કોર્પોરેટને ફાયદો કરાવતી આ નીતિ માત્ર ગરીબો સાથે અન્યાય છે. બેન્ચે સવાલોનો વરસાદ કરતા પૂછ્યું કે આખું સિસ્ટમ અમુક જ લોકોના ફાયદા માટે કેમ કામ કરી રહી છે? સરકાર તરફથી એમ પણ દલીલ કરવામાં આવી કે ભારતમા ફ્રી માર્કેટને કારણે દવાઓના ભાવ દુનિયામાં સૌથી ઓછા છે અને સરકાર આખા માર્કેટ પર નિયંત્રણ રાખી શકે નહીં, કારણ કે આ આખો વિષય ઇકોનોમિક પોલિસી અને કોમર્સ સાથે જોડાયેલો છે.

કોર્ટે સરકારની આ દલીલો ફગાવી દેતા સવાલ કર્યો કે શું ફાર્મા કંપનીઓને મનમાની કરવાની છૂટ આપી શકાય? ભાવમાં આટલા મોટા તફાવતનું જસ્্টিফিકેશન શું છે અને 30 વખત પૂછવા છતાં સરકાર પાસે તેનો કોઈ સંતોષકારક જવાબ નથી. કોર્ટે આકરા શબ્દોમાં એ પણ યાદ અપાવ્યું કે નાગરિકોના જીવન કરતાં કોમર્સ કે વેપાર ક્યારેય મોટો હોઈ શકે નહીં અને તેને પ્રાથમિકતા ન આપી શકાય. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી હવે ફાર્મા ઇન્ડસ્ટ્રી અને દવાના ભાવ નિયંત્રણને લઈને આગામી સમયમાં મોટા નીતિગત ફેરફારો જોવા મળી શકે છે, જેના પર દેશભરના દર્દીઓની નજર ટકેલી છે.

LATEST ARTICLES