આવતા મહિને તુર્કી ખાતે યોજાનારી યુએન ક્લાઈમેટ ટોક્સ પહેલા યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ દ્વારા 5 અહેવાલો જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ્સ જણાવે છે કે દુનિયાના નાના, મધ્યમ અને મોટા તમામ મુખ્ય અર્થતંત્રો હવે ક્લાઈમેટ એક્શનને આર્થિક વિકાસ, નવી નોકરીઓ અને સસ્તી ઊર્જા મેળવવાનું મુખ્ય કેન્દ્ર માની રહ્યા છે. દેશો ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનમાં રોકાણ કરી રહ્યા છે અને વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો સામે ટકી રહેવા માટે મજબૂતાઈ વધારી રહ્યા છે. જોકે, કડવી હકીકત એ પણ છે કે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટી રહ્યું છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસરો અને એક્સટ્રીમ વેધરથી બચવા માટે આ ગતિ પૂરતી ઝડપી નથી.
આ અહેવાલો મુજબ યુએફએનસીસીસીએ 127 નવા નેશનલ ડિટર્મીન્ડ કોન્ટ્રીબ્યુશન્સ એટલે કે ક્લાઈમેટ એક્શન પ્લાન્સનું મૂલ્યાંકન કર્યું છે, જે વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના આશરે 70% હિસ્સો ધરાવે છે. આ પ્લેજિસ દ્વારા વર્ષ 2035 સુધીમાં વૈશ્વિક ઉત્સર્જનમાં વર્ષ 2019ની સરખામણીએ માત્ર 6% ઘટાડો થવાનો અંદાજ છે, જ્યારે વાસ્તવમાં વર્ષ 2025ના સ્તરથી વર્ષ 2030 સુધીમાં 18% અને વર્ષ 2035 સુધીમાં 45% ઉત્સર્જન ઘટાડવાની જરૂર છે. આ ઉપરાંત 137 દેશોના રિપોર્ટ કાર્ડની ચકાસણીમાં બહાર આવ્યું છે કે 61 દેશોએ લક્ષ્યાંક તરફ પ્રગતિ કરી છે, જ્યારે 27 દેશો પોતાના ટાર્ગેટથી દૂર થઈ ગયા છે. બીજી તરફ રાહતની વાત એ છે કે વર્ષ 2022 થી વર્ષ 2024 વચ્ચે ક્લાઈમેટ ફાઈનાન્સમાં કુલ 1.9 ટ્રિલિયન ડોલરનું રોકાણ થયું છે, જે અગાઉના વર્ષો કરતા 32% વધુ છે.
આ તમામ આંકડાઓ અને પ્રગતિ વચ્ચે વિકાસશીલ દેશો માટે રોકાણ મેળવવામાં હજુ પણ અડચણો યથાવત છે અને ફાઈનાન્સની અછત વર્તાઈ રહી છે. ટુરકીમાં યોજાનારી COP31 પ્રેસિડેન્સી દરમિયાન વ્યવહારુ પગલાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ ગેપ્સને પૂરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેરિસ એગ્રીમેન્ટના લક્ષ્યોને હાંસલ કરવા માટે માત્ર નીતિઓ બનાવવી પૂરતી નથી, પરંતુ તેની અમલીકરણની ઝડપને અનેક ગણી વધારવી પડશે જેથી પૃથ્વીને વિનાશક ગરમી અને આફતોથી બચાવી શકાય.
