JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

બ્રાઝિલમાં ખળભળાટ: ચૂંટણી હાર્યાના કલાકોમાં જ ફેસબુક ફ્લેવિયો બોલસોનારો દેશ છોડીને ફરાર

Oct 28, 2026 | 02:10 | By JAMNAGAR MIRROR
બ્રાઝિલમાં ખળભળાટ: ચૂંટણી હાર્યાના કલાકોમાં જ ફેસબુક ફ્લેવિયો બોલસોનારો દેશ છોડીને ફરાર
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર અને સેનેટર ફ્લેવિયો બોલસોનારો ચૂંટણીમાં હાર્યા બાદ અને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ મળતા જ ગુપ્ત રીતે દેશ છોડી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેમની સામે ઓછામાં ઓછા 2 ફેડરલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યા છે અને કોર્ટે દેશ બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

બ્રાઝિલમાં રાજકીય હલચલ મચી ગઈ છે કારણ કે કન્ઝર્વેટિવ સેનેટર અને પૂર્વ રાષ્ટ્રપતિના 45 વર્ષના પુત્ર ફ્લેવિયો બોલસોનારો રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યાના કલાકમાં જ કથિત રીતે દેશ છોડીને ભાગી છૂટ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અલેક્ઝાન્ડ્રોર્ડે મોરેસે ફ્લેવિયોને 24 કલાકમાં તેમના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો અને તેઓ દેશ છોડીને ભાગી શકે તેવી આશંકા વ્યક્ત કરી હતી. જો કે, સમય મર્યાદામાં પાસપોર્ટ જમા ન થતાં બ્રાઝિલની ફેડરલ પોલીસે તેમના પાસપોર્ટ રદ કરી દીધા હતા. આ ઘટનાએ પહેલાથી જ ગરમાયેલા રાજકારણમાં વધુ તણાવ પેદા કર્યો છે અને બોલસોનારોના સમર્થકોમાં ન્યાયતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસ રેકોર્ડ મુજબ ફ્લેવિયોના દેશ છોડવા અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી અને મંગળવારે તેમના સહયોગીઓ પણ સંપર્ક કરી શક્યા નહોતા. અહેવાલો આવ્યા હતા કે તેઓ આર્જેન્ટિના થઈને યુએસ જવાની ફિરાકમાં છે, પરંતુ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરીએ તેઓ દેશમાં પ્રવેશ્યા હોવાની વાત નકારી કાઢી છે. ફ્લેવિયોના ભાઈ એડ્યુઆર્ડોએ અગાઉ પોડકાસ્ટમાં સલાહ આપી હતી કે જો ચૂંટણી હારી જાય તો ફ્લેવિયોએ બ્રાઝિલ છોડી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ફ્લેવિયોના પિતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો પણ 2022ની ચૂંટણી હાર્યા બાદ યુએસ જતા રહ્યા હતા અને હાલમાં તેઓ કૂપ પ્લોટ કેસમાં 27 વર્ષની સજા ભોગવી રહ્યા છે.

ફ્લેવિયો બોલસોનારો હાલમાં મની લોન્ડરિંગ, કરપ્શન અને ટેક્સ ચોરી જેવા ઓછામાં ઓછા 2 ગંભીર ફેડરલ ઇન્વેસ્ટિગેશનનો સામનો કરી રહ્યા છે, જેમાં બેન્ક ફ્રોડ કેસ સાથે સંકળાયેલા ડેનિયલ વોરકારો સાથેના કનેક્શનની તપાસ સામેલ છે. જો કે ફ્લેવિયોએ તમામ આરોપો નકાર્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની ચૂંટણી પ્રચારમાં વિદેશી ફંડિંગ મામલે પણ તપાસના આદેશ આપ્યા છે. બ્રાઝિલની પોલીસે હવે આર્જેન્ટિનાના અધિકારીઓ સાથે સંપર્ક સાધીને ફ્લેવિયો ખરેખર સરહદ પાર કરીને ત્યાં પહોંચ્યા છે કે નહીં તેની સત્યતા તપાસી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમથી બ્રાઝિલના રાજકારણમાં આગામી દિવસોમાં વધુ વિવાદો સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

LATEST ARTICLES