JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ડાયનાસોરનું દુર્લભ હાડપિંજર 47 મિલિયન ડોલરમાં વેચાયું, દુનિયાની સૌથી મોંઘી ફોસિલ બની

Oct 28, 2026 | 01:45 | By JAMNAGAR MIRROR
ડાયનાસોરનું દુર્લભ હાડપિંજર 47 મિલિયન ડોલરમાં વેચાયું, દુનિયાની સૌથી મોંઘી ફોસિલ બની
ન્યૂયોર્કની ઓક્શનમાં નેનોટિરાનસ ડાયનાસોરનું 'જોડી' નામનું હાડપિંજર અપેક્ષા કરતાં પાંચ ગણાથી વધુ ભાવમાં વેચાયું છે. 67 મિલિયન વર્ષ જૂના આ દુર્લભ ફોસિલે દુનિયાભરના વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે, જોકે પ્રાઈવેટ વેચાણને લઈને વિવાદ પણ ચાલી રહ્યો છે.

મંગળવારે ન્યૂયોર્ક સિટીમાં સોથેબીઝ દ્વારા યોજાયેલી ઓક્શનમાં ડાયનાસોરની એક અત્યંત દુર્લભ અને કિંમતી પ્રજાતિનું હાડપિંજર રેકોર્ડબ્રેક ભાવે વેચાયું છે. આ હાડપિંજર નેનોટિરાનસનું છે, જેને હવે ટિરાનોસોરસ રેક્સ (T. rex) નો નાનો પિતરાઈ ભાઈ માનવામાં આવે છે. ઓક્શન હાઉસ દ્વારા આ ફોસિલના 6 થી 9 મિલિયન ડોલર મળવાની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ અકલ્પનીય રીતે આ હાડપિંજર 47.3 મિલિયન ડોલરમાં વેચાયું છે. મિની T. rex જેવા દેખાતા આ ડાયનાસોરના હાડપિંજરે દુનિયાની સૌથી મોંઘી ફોસિલની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. 'જોડી' ઉપનામ ધરાવતા આ હાડપિંજરે અત્યાર સુધી વેચાયેલા ડાયનાસોરના હાડપિંજરોમાં બીજું સૌથી મોંઘું વેચાણ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ આ વર્ષના ઉનાળામાં 'ગસ' નામનું T. rex ફોસિલ 50.1 મિલિયન ડોલરમાં વેચાયું હતું.

આ રોમાંચક ઓક્શન લગભગ 12 મિનિટ સુધી ચાલ્યું હતું, જેમાં ઓનલાઈન અને ફોન દ્વારા બોલી લગાવનાર અન્ય 5 ખરીદદારોને પાછળ છોડીને એક અજ્ઞાત ખરીદદારે આ હાડપિંજર ખરીદી લીધું છે. નેનોટિરાનસ એ પુખ્ત T. rex ની લંબાઈથી લગભગ અડધું હતું અને આ બંને જીવો ક્રિટેસિયસ પીરિયડ દરમિયાન આજથી આશરે 67 મિલિયન વર્ષો પહેલાં સાથે અસ્તિત્વ ધરાવતા હતા. 6.5 ફૂટ એટલે કે 2 મીટર ઊંચાઈ અને લગભગ 20 ફૂટ એટલે કે 6 મીટર લંબાઈ ધરાવતું આ 'જોડી' નામનું હાડપિંજર દુનિયામાં માત્ર 3 જ જાણીતા હાડપિંજરોમાંથી એક છે, જે લગભગ 70 ટકા જેટલું સંપૂર્ણ છે. આ ડાયનાસોરનું નામ મોન્ટાનાના રેન્ચર જોડી પિયર્સનના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 2019માં પોતાની જમીન પરથી આ અદ્ભુત શોધ કરી હતી.

દાયકાઓ સુધી વૈજ્ઞાનિકોમાં એ વાતને લઈને મતભેદ હતો કે નેનોટિરાનસ એ ડાયનાસોરનો અલગ પ્રકાર છે કે પછી T. rex નું બચ્ચું છે, પરંતુ ગયા વર્ષે પ્રકાશીત થયેલા સંશોધનમાં સાબિત થયું કે તે અલગ જીનસ છે. આ મહત્વપૂર્ણ ફોસિલના વેચાણ બાદ હવે વૈજ્ઞાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે કે આવા ઐતિહાસિક અશ્મિઓ ખાનગી હાથોમાં જવાને બદલે મ્યુઝિયમમાં હોવા જોઈએ જેથી સંશોધકો અને જનતા તેનો અભ્યાસ કરી શકે. સોથેબીઝે આ શોધ કરનાર પ્રોફેશનલ ફોસિલ હન્ટર્સની ટીમને બિરદાવી છે, જેમના સંઘર્ષની કહાની ડિસ્કવરી ચેનલની ડોક્યુમેન્ટરી સિરીઝમાં પણ દર્શાવવામાં આવી હતી. આ અદ્ભુત વેચાણે સાબિત કરી દીધું છે કે વૈજ્ઞાનિક ક્ષેત્રે સામાન્ય લોકો પણ મોટું યોગદાન આપી શકે છે.

LATEST ARTICLES