અમેરિકાના સાન ડિએગોમાં રહેતી અને 12મા ધોરણમાં અભ્યાસ કરતી કેલે ઝુ નામના યુવા સ્ટુડન્ટે મેડિકલ ક્ષેત્રે મોટું ઇનોવેશન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ન્યુમોનિયાની બીમારી સામે જંગ જીતીને સાજા થયા બાદ તેને રેસ્પિરેટરી ડાયગ્નોસ્ટિક્સ એટલે કે શ્વાસ સંબંધિત તપાસને વધુ સચોટ બનાવવાનો વિચાર આવ્યો હતો. પરંપરાગત સ્ટેથોસ્કોપમાં છેલ્લા 200 વર્ષથી કોઈ ખાસ બદલાવ આવ્યો ન હોવાથી તેણે આ દિશામાં કંઈક નવું કરવાનો સંકલ્પ કર્યો. પોતાની આ જબરી સૂઝબૂઝ અને મહેનતના બળે તેણે ઓક્યુરા (Aucura) નામનું એક વેરેબલ સ્ટેથોસ્કોપ તૈયાર કર્યું છે, જે શરીરના અવાજો કેપ્ચર કરીને શ્વાસની તકલીફો ઓળખવામાં ડોક્ટર્સને મદદરૂપ બને છે. આ શાનદાર પ્રોજેક્ટ માટે તેને મોટ મિલિયન ડોલર ચેલેન્જ સ્પર્ધામાં 25,000 ડોલરનું મોટું ગ્રાન્ડ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે.
આ ડિવાઇસ બનાવવાનો રસ્તો કેલે માટે જરાય આસાન નહોતો. શરૂઆતમાં તેણે માત્ર સોફ્ટવેર દ્વારા આ સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાર્ડવેર પૂરતું એડવાન્સ ન હોવાને કારણે ડેટા મેળવવામાં મુશ્કેલી પડી. આથી તેણે સ્ટેથોસ્કોપના ચેસ્ટ પીસને મજબૂત બનાવવાનું શરૂ કર્યું અને પછી સોફ્ટવેર પર કામ કર્યું. પેડિયાટ્રિક ફિઝિશિયન સાથે ચર્ચા કરીને તેણે પોતાના ડિઝાઇન કરેલા ચેસ્ટ પીસનું વેલિડેશન પણ કરાવ્યું હતું. સૌથી રસપ્રદ વાત તો એ છે કે લાઈવ દર્દીઓ પર ટેસ્ટિંગ કરવું અશક્ય હોવાથી તેણે પોતાના કિચનમાં જ ફોમ્ડ જિલેટીન, પાણી અને પાવડર મિક્સ કરીને ઇલેક્ટ્રિક મિક્સરની મદદથી અસલી માનવ શરીરના ધડ જેવો મોડેલ તૈયાર કર્યો હતો. સાઉન્ડ પ્રોપર સ્પીડમાં ટ્રાવેલ થાય તે માટે તેણે અસંખ્ય પ્રયોગો કર્યા અને નિષ્ફળતામાંથી શીખીને આ સફળતા મેળવી છે.
બજારમાં મળતા ડિજિટલ સ્ટેથોસ્કોપ સામાન્ય રીતે સેંકડો ડોલર મોંઘા હોય છે, જ્યારે કેલેનું ઓક્યુરા ખૂબ જ ઓછી કિંમતે બને છે. આ ડિવાઇસનું ફ્લેક્સિબલ સર્કિટ બોર્ડ બલ્કમાં માત્ર 1 ડોલર જેટલા નજીવા ખર્ચે તૈયાર થઈ શકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારો અને ફંડના અભાવવાળા ક્લિનિક્સ સુધી આધુનિક મેડિકલ ટેકનોલોજી પહોંચાડવાનો છે જ્યાં હેલ્થકેર રિસોર્સીસ ઓછા હોય છે. આ મોટી જીત બાદ કેલે હવે યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગે છે. તે આ ડિવાઇસને માર્કેટમાં લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે જેથી ભવિષ્યમાં ઓક્યુરા દુનિયાભરમાં સ્ટેથોસ્કોપ ટેકનોલોજીનું એક નવું અને સ્ટાન્ડર્ડ સાધન બની શકે.
