લદાખમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાની અને આ યુનિયન ટેરિટરીને ડ્રાય રીજન જાહેર કરવાની માંગ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ આંદોલન સાથે લદાખ બુદ્ધિસ્ટ એસોસિએશન, અંજુમન ઇમામિયા, અંજુમન મોઈન-ઉલ-ઇસ્લામ અને ક્રશ્ચિયન સમુદાય સહિતના અનેક ધાર્મિક અને સામાજિક સંગઠનો જોડાયેલા છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રશાસન હરકતમાં આવ્યું છે અને મંગળવારે લદાખ બુદ્ધિસ્ટ એસોસિએશનની મહિલા પાંખ તેમજ અન્ય સંગઠનો સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી જેથી કોઈ મધ્યમ માર્ગ કાઢી શકાય.
સરકારી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ચીફ સેક્રેટરી આશિષ કુંદ્રાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વિવિધ ધાર્મિક સંસ્થાઓની મહિલા પ્રતિનિધિઓ ઉપરાંત ટૂરિઝમ બોડીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં આંકડાકીય વિગતો આપતા જણાવવામાં આવ્યું કે ગત વર્ષ સુધી રિટેલ લિકર વેન્ડની સંખ્યા 2 હતી, જેમાંથી આ વર્ષે માત્ર 1 જ ચાલુ છે. જ્યારે રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા ફંક્શનલ બારની સંખ્યા અગાઉ 23 હતી, જેમાં નવા 17 લાયસન્સ ઉમેરાતા હવે કુલ સંખ્યા 40 થઈ ગઈ છે. ચીફ સેક્રેટરીએ મહિલાઓની ચિંતાઓને સ્વીકારી હતી, પરંતુ સંપૂર્ણ દારૂબંધીની માંગને એક મોટો વિષય ગણાવ્યો હતો જેના માટે તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી જરૂરી છે.
ચીફ સેક્રેટરીએ બિહાર અને હરિયાણા જેવા રાજ્યોના ઉદાહરણો ટાંકીને જણાવ્યું હતું કે ત્યાં સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાથી લઠ્ઠાકાંડ અને ડ્રગ્સના દૂષણ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ હતી. આ સાથે રોજગારી, ટૂરિઝમ અને આર્થિક ગતિવિધિઓ પર પડનારા પ્રભાવ અંગે પણ ચર્ચા થઈ હતી કારણ કે લદાખમાં ટૂરિઝમ એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે અને હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે પરામર્શ કરવો અનિવાર્ય છે. હાલની સ્થિતિ જોતા પ્રશાસન અને મહિલા પ્રતિનિધિઓ વચ્ચે તમામ પાસાઓ પર ગંભીર વિચારણા કરીને આગળના દિવસોમાં કોઈ સર્વસંમતિવાળો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
