હોલીવુડના જાણીતા અભિનેતા કોલિન ફેરેલે બૌદ્ધિક અને વિકાસલક્ષી અક્ષમતા ધરાવતી વ્યક્તિઓનું જીવનધોરણ સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. અભિનેતાએ પોતાના પુત્ર જેમ્સ, જે એન્જલમેન સિન્ડ્રોમ નામની દુર્લભ ન્યુરોજેનેટિક સ્થિતિ સાથે જન્મે છે, તેનાથી પ્રેરણા લઈને 2024માં કોલિન ફેરેલ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. જ્યારે દિવ્યાંગ બાળકો સ્કૂલનું શિક્ષણ પૂરું કરીને પુખ્તવયની ઉંમરે પહોંચે છે, ત્યારે તેમના રહેઠાણ, હેલ્થકેર અને લાંબા ગાળાના સપોર્ટને લઈને પરિવારો સામે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. આ જ ગંભીર પડકારોને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન દ્વારા 2025થી 2026ના સમયગાળા માટે વિશેષ ઇનોવેશન ગ્રાન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિવિધ સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
આ ગ્રાન્ટ પ્રોગ્રામ માટે દેશભરમાંથી કુલ 236 અરજીઓ મળી હતી, જેમાંથી એક સ્વતંત્ર સમિતિએ મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ પ્રપોઝલ ધરાવતી 16 સંસ્થાઓની પસંદગી કરી છે. આ પસંદ કરાયેલી સંસ્થાઓને અંદાજે 10,000 ડોલરથી લઈને 50,000 ડોલર સુધીના ગ્રાન્ટ આપવામાં આવશે. ઉત્તર કેરોલિનાની 3 બ્લુબર્ડ્સ ફાર્મ, ઓક્લાહોમાની એ ન્યુ લીફ, ફ્લોરિડાની ઇન્ડિપેન્ડન્સ લેન્ડિંગ અને કેલિફોર્નિયાની ગોલ્ડન હાર્ટ રેન્ચ જેવી વિવિધ સંસ્થાઓને આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ તમામ સંસ્થાઓ વ્યાવસાયિક તાલીમ, સક્ષમ રહેઠાણ, સામાજિક પ્રવૃત્તિઓ અને જીવન જરૂરી કૌશલ્યો વિકસાવવા માટે કામ કરી રહી છે જેથી દિવ્યાંગ યુવાનો વધુ આત્મનિર્ભર બની શકે.
આ રાષ્ટ્રીય સ્તરની પહેલ દ્વારા ફાઉન્ડેશનનો હેતુ માત્ર તબીબી કે દેખરેખ પૂરતો મર્યાદિત રહેવાનો નથી, પરંતુ દિવ્યાંગ યુવાનોને સમાજમાં સમાન તક, રોજગારી અને સન્માનજનક જીવન આપવાનો છે. શિકાગોમાં ડિસેમ્બર 2024માં યોજાયેલા ફંડ રેઝરથી શરૂ થયેલી આ સફર હવે જમીની સ્તરે મોટું પરિવર્તન લાવી રહી છે. આ ગ્રાન્ટ મળવાથી સ્થાનિક સંસ્થાઓની ક્ષમતા વધશે અને દિવ્યાંગોના પરિવારોને પણ મોટો માનસિક તેમજ સામાજિક ટેકો મળી રહેશે, જે ભવિષ્યમાં અન્ય સમુદાયો માટે પણ એક મોડેલ સાબિત થશે.
