JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

તામિલનાડુમાં જેલ તોડીને ભાગેલા 17માંથી 13 કેદીઓ ઝડપાયા, ડ્રોનની મદદથી પોલીસનું મોટું સર્ચ ઓપરેશન

Oct 28, 2026 | 01:00 | By JAMNAGAR MIRROR
તામિલનાડુમાં જેલ તોડીને ભાગેલા 17માંથી 13 કેદીઓ ઝડપાયા, ડ્રોનની મદદથી પોલીસનું મોટું સર્ચ ઓપરેશન
તામિલનાડુના થેની સબ-જેલમાંથી 17 કાચા કેદીઓ ભાગી છૂટવાની મોટી ઘટના સામે આવી છે. જોકે, ઘટનાના 24 કલાકની અંદર જ પોલીસે ડ્રોન અને 300થી વધુ જવાનોની ટીમ કામે લગાડીને તેમાંથી 13 કેદીઓને દબડાવી લીધા છે. સુરક્ષામાં મોટી ચૂક સામે આવ્યા બાદ 9 જેલ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તમિલનાડુના થેની વિસ્તારમાં આવેલા સબ-જેલમાંથી છેલ્લા 3 દાયકાની સૌથી મોટી જેલબ્રેકની ઘટના બની હતી, જ્યાં સોમવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ 17 રિમાન્ડ કેદીઓ જેલ તોડીને ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કેદીઓએ ખુબ જ ચાલાકીથી એક કેદીને મિર્ગીનો હુમલો આવ્યો હોવાનું નાટક કર્યું હતું અને જ્યારે જેલ સ્ટાફ મદદ માટે આવ્યો ત્યારે તેના પર હુમલો કરીને ચાવીઓ ઝૂંટવી લીધી હતી તેમજ મુખ્ય દરવાજાથી જ ફરાર થઈ ગયા હતા. આ અચાનક થયેલા હુમલામાં જેલના એક ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય 2 જવાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મર્ડર કેસના આરોપી એવા 5 કેદીઓએ આ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો અને બાકીના કેદીઓ તેમાં સામેલ થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક થેની એસપી કે એસ પ્રવીણ ગૌતમ, સાઉથ ઝोन આઈજી વિજયેન્દ્ર બિદારી અને મદુરાઈ સેન્ટ્રલ પ્રિઝન સુપ્રિટેન્ડેન્ટ આર કૃષ્ણરાજની આગેવાનીમાં 300થી વધુ પોલીસ કર્મીઓની 17 સ્પેશિયલ ટીમો બનાવીને રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મંગળવારે સવારે 1:00 વાગ્યાની આસપાસ પહેલી સફળતા મળી જ્યારે પ્રવીણ કુમાર નામનો ભાગેડુ કેદી કાંટા વાગવાને કારણે ભાગી ન શકતા જેલ ટાવર પાછળથી પકડાઈ ગયો હતો, જ્યારે એક અન્ય કેદીને સતર્ક ઓટો ડ્રાઈવરે પકડીને પાછો લાવીને પોલીસને સોંપ્યો હતો. સવારે 6:45 વાગ્યાની આસપાસ પોલીસે સિલંબારસન, રાજા સિકાંતર અને રાજકુમાર નામના વધુ 3 કેદીઓને ઝડપી લીધા હતા. આ ઉપરાંત, વરુસનાડુના જંગલ વિસ્તારમાં કેદીઓ છુપાયા હોવાની બાતમી મળતા પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો અને સાંજે 5:00 વાગ્યા સુધીમાં ડ્રોનની મદદથી જંગલમાં છુપાયેલા અન્ય 8 કેદીઓને પણ ઘેરીને પકડી પાડ્યા હતા.

આ ગંભીર સુરક્ષા ચૂક મામલે ડીજીપી પ્રિઝન સંદીપ રાય રાઠોરે માનવીય ભૂલ ગણાવી છે અને બેદરકારી બદલ 9 જેલ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેદીઓ નાસી છૂટતી વખતે જેલની સેન્ટ્રલ સાયરન સિસ્ટમ પણ બંધ હાલતમાં મળી આવી હતી, જેણે સુરક્ષા વ્યવસ્થાઓની પોલ ખોલી નાખી છે. વિપક્ષી નેતાઓએ આ ઘટનાને કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી છે, જ્યારે પ્રિઝન મંત્રી સી ટી આર નિર્મલકુમારે બાકી રહેલા કેદીઓને પણ વહેલી તકે પકડી લેવાની ખાતરી આપી છે. પોલીસે કેરળ બોર્ડર પર પણ વોચ વધારી દીધી છે કારણ કે કેદીઓ પડોશી રાજ્યમાં ભાગી જવાની ફિરાકમાં હતા. હાલ બાકીના ફરાર કેદીઓને પકડવા માટે પણ પોલીસની સઘન તપાસ ચાલુ છે.

LATEST ARTICLES