JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસનો મોટો સપાટો, આરોપીઓ સામે મકોકા કાયદો લાગુ

Oct 28, 2026 | 00:55 | By JAMNAGAR MIRROR
ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસનો મોટો સપાટો, આરોપીઓ સામે મકોકા કાયદો લાગુ
બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફના ઘર બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે કડક કાર્યવાહી કરતા મકોકા કાયદો લગાવી દીધો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ શૂટર્સ સોશિયલ મીડિયા પર સેલેબ્સની રેકી કરતા હતા અને સલમાન ખાન બાદ તેમનો ટાર્ગેટ ટાઈગર શ્રોફ બન્યા હતા.

મુંબઈ પોલીસ દ્વારા ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ સામે મકોકા એટલે કે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટની કલમો લગાવી દેવામાં આવી છે. સક્ષમ અધિકારીની મંજૂરી મળ્યા બાદ પોલીસે મંગળવારે આ ગંભીર કાયદો લાગુ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શૂટર્સ બોલિવૂડ સેલેબ્સને નિશાન બનાવવા માટે સોશિયલ મીડિયા પર તેમના વિડિયો અને રીલ્સ સ્કેન કરતા હતા, જેથી સેલેબ્સની મૂવમેન્ટ, તેમની ગાડીઓ અને સિક્યોરિટીની પૂરી માહિતી મળી શકે.

આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે શૂટર્સનો મૂળ પ્લાન સલમાન ખાનને ટાર્ગેટ કરવાનો હતો, પરંતુ બાંદ્રા સ્થિત ગેલેક્સી અપાર્ટમેન્ટ બહાર સિક્યોરિટી ખૂબ જ ટાઈટ હોવાથી તેઓ ફાવ્યા નહોતા. આટલું જ નહીં, સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલા અન્ય 2 મોટા એક્ટર્સને પણ ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમની ગાડીઓ અને રૂટ વિશે પૂરતી માહિતી ન મળવાને કારણે તેમનો પ્લાન ફ્લોપ ગયો હતો. આ શૂટર્સે સ્ટાર્સના ઘરની બહાર રેકી કરીને તેમની ગાડીઓ અને સિક્યોરિટીની માહિતી મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

આખરે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા શંકાસ્પદ કાવતરાખોર અનિલ પંડિતે આ શૂટર્સને જણાવ્યું હતું કે ટાઈગર શ્રોફ રવિવારે જુહુમાં પુષ્પા પાર્ક પાસે ફૂટબોલ ગ્રાઉન્ડ પર નિયમિત જાય છે અને ત્યાં સિક્યોરિટી પણ ઓછી હોય છે. આ માહિતી મળ્યા બાદ શૂટર્સે ટાઈગર શ્રોફ પર નજર શિફ્ટ કરી હતી અને આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં 2 મહિલાઓ સહિત 4 આરોપીઓની પોલીસ કસ્ટડી કોર્ટે 28 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે અને પોલીસ આ મામલે આગળની કડક તપાસ કરી રહી છે.

LATEST ARTICLES