ચેન્નાઈની એન્જિનિયરિંગ કોલેજોમાં સરકારી કોટાની બેઠકો પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ જઈને ભારેખમ વધારાની ફી વસૂલવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. છેલ્લા 4 મહિનામાં મુખ્યમંત્રીના સ્પેશિયલ સેલ પર આવી 500થી વધુ ફરિયાદો મળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (DOTE) દ્વારા કુલ 20 જેટલી ખાસ તપાસ ટીમો બનાવવામાં આવી છે, જે શંકાસ્પદ કોલેજોમાં જઈને દફતરોની ચકાસણી કરશે અને સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.
આ ફરિયાદોમાં મુખ્યત્વે એવો આક્ષેપ છે કે કોલેજો સ્પેશિયલ ફી, સ્પોર્ટ્સ ફી અને પ્લેસમેન્ટ-ટ્રેનિંગના નામે વિદ્યાર્થીઓ પાસેથી વધારાના નાણાં ખંખેરી રહી છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે 7.5% ના ખાસ રિઝર્વેશન હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે સંપૂર્ણ ફી માફ કરી હોવા છતાં, કેટલીક કોલેજો આવા વિદ્યાર્થીઓ પાસેથી પણ પ્રતિ સેમેસ્ટર 25,000 રૂપિયા પડાવતી હતી. આ ઉપરાંત મેનેજમેન્ટ કોટાની બેઠકો માટે કેપિટેશન ફી માંગવી, સર્ટિફિકેટ સમયસર ન આપવા અને એક્ઝામિનેશનના નામે લૂંટ ચલાવવાની ફરિયાદો પણ અન્ના યુનિવર્સિટી સુધી પહોંચી હતી. યુનિવર્સિટી દ્વારા અગાઉ કેટલાક કિસ્સાઓમાં નાણાં પરત અપાવવાની કાર્યવાહી કરાઈ હોવા છતાં કેટલીક કોલેજો નિયમોનું પાલન કરવા તૈયાર નથી.
હાયર એજ્યુકેશન સેક્રેટરી ધીરજ કુમારે સ્પષ્ટ કર્યું છે કે વધારાની ફી મુદ્દે સરકાર ખૂબ જ ગંભીર છે અને તપાસ ટીમોના રિપોર્ટના આધારે કસૂરવાર કોલેજો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ કોલેજ સંચાલકોનું કહેવું છે કે છેલ્લા 9 વર્ષથી ફીમાં કોઈ વધારો કરાયો નથી, જેમાં નોન-એક્રેડિટેડ કોર્સ માટે 50,000 અને એક્રેડિટેડ કોર્સ માટે 55,000 ફી નક્કી છે જે આજના સમયમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે અપૂરતી છે. જોકે પ્રોફેસરોનું માનવું છે કે કોલેજો બસ ભાડા, કોન્વોકેશન અને એક્ઝામિનેશન ફીના નામે પણ બેફામ લૂંટ ચલાવી રહી છે, જ્યાં યુનિવર્સિટી પેપર દીઠ માત્ર 150 રૂપિયા લે છે ત્યાં ઓટોનોમસ કોલેજો 1,500 રૂપિયા સુધી વસૂલે છે.
