નેપાળના ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન દ્વારા 29 થી 31 ઓક્ટોબર દરમિયાન હાઈ-હિલ અને હિમાલયના પ્રતિબંધિત વિસ્તારોમાં જવા માટેના ટ્રેકિંગ પરમિટ્સ આપવાનું કામ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ભારે હિમવર્ષા, સ્નોસ્ટોર્મ અને એવાલાંચ એટલે કે હિમસ્ખલનના ઊંચા જોખમને લઈને ચેતવણી આપવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવાયો છે. નેપાળ મેટોરોલોજિકલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બે ઓફ બેંગોલમાં સક્રિય થયેલા સાયક્લોન અર્નાબની અસરને કારણે હિમાલયી દેશમાં ભારે વરસાદ, પવન અને હિમવર્ષાનું જોખમ વધી ગયું છે.
આ મામલે ઈમિગ્રેશન વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે જે વિદેશી પ્રવાસીઓએ આ તારીખો માટે અગાઉથી પરમિટ્સ મેળવી લીધા છે તેઓ પણ પોતાના ટ્રેક્સ હાલ પૂરતા રદ કરે અથવા સ્થગિત રાખે. જે લોકો પહેલેથી જ ટ્રેકિંગ પર નીકળી ચૂક્યા છે તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ આશરો લેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ટ્રેકિંગ એજન્સીઓ, ગાઈડ્સ અને સંબંધિત તમામ લોકોને આ સરકારી આદેશનું કડકપણે પાલન કરવા તાકીદ કરાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાનને કારણે રોડ અને એર ટ્રાન્સપોર્ટ સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે, જેથી નાગરિકોને નદી કિનારે કે જોખમી વિસ્તારોમાં ન જવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 26 ના રોજ નેપાળ-ચાઈના બોર્ડર પાસે હિમસ્ખલનને કારણે નદીનો પ્રવાહ અટકવાથી સર્જાયેલી કુદરતી આફતમાં ભારે પૂર આવ્યું હતું અને લગભગ 1500 લોકોના મોત થયા હતા, જ્યારે 5000 થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ ભયાનક પૂરના કારણે રસ્તાઓ, પુલો અને પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું હતું અને વર્લ્ડ બેંકના અંદાજ મુજબ અંદાજે 1.66 બિલિયન યુ.એસ. ડોલરનું ભૌતિક નુકસાન થયું હતું. આ દુર્ઘટના બાદથી છેલ્લા કેટલાક સપ્તાહોથી નેપાળમાં આ પ્રકારે સતત હવામાન ચેતવણીઓ આપવામાં આવી રહી છે.
