ઇઝરાયેલમાં પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ પોતાના રાજકીય ભવિષ્યની સૌથી મોટી અગ્નિપર્ક્ષામાંથી પસાર થઈ રહ્યા છે. 7 ઓક્ટોબર 2023ના હમાસ હુમલા પછી દેશમાં પહેલી વાર લેજિસ્લેટિવ ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને વોટર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર બપોર સુધીમાં જ મતદાનનો આંકડો 55.7 ટકાને પાર કરી ગયો હતો, જે છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ટર્નઆઉટ છે. આ ચૂંટણીમાં વિદેશથી લગભગ 70,000 ઇઝરાયેલીઓ પોતાના વતન પરત ફર્યા છે અને લાખો યુવાનો પહેલી વાર વોટિંગ કરી રહ્યા છે. શરુઆતના ઓપિનિયન પોલ્સ મુજબ નેતન્યાહુ અને પૂર્વ મિલિટરી ચીફ ગાડી આઈસેનકોટ વચ્ચે પ્રાઇમ મિનિસ્ટર પદની રેસમાં નેક-ટુ-નેક ફાઇટ ચાલી રહી છે.
મતદાન દરમિયાન જબરો માહોલ જોવા મળ્યો, જ્યાં અરબ સમુદાયમાં પણ ભારે વોટિંગ થતાં નેતન્યાહુની ચિંતા વધી ગઈ હતી. નેતન્યાહુએ વીડિયો મેસેજ દ્વારા પોતાના સમર્થકોને ચેતવણી આપી હતી કે જો જમણેરી વોટર્સ ઘર બહાર નહીં નીકળે તો અરબ પોલિટિકલ લીડર્સ સરકાર બનાવી લેશે. તેમણે આ ચૂંટણીને ઇઝરાયેલી જમણેરીઓ માટે ઇમરજન્સી અને જીવન-મરણનો સવાલ ગણાવતા લોકોને બીચ કે બરબેકયુ છોડીને સીધા પોલિંગ સ્ટેશન પર જઈને લિકુડ પાર્ટીને વોટ કરવા અપીલ કરી હતી. જોકે, નેતન્યાહુના આ નિવેદનની વિપક્ષી નેતાઓ અને અરબ નેતાઓએ તીખી ટીકા કરી હતી અને તેમના પર ડર ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. બીજી તરફ, કેમ્પેઈન દરમિયાન ઈરાન સાથેનો તણાવ, ન્યૂક્લિયર થ્રેટ અને યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો પણ મુખ્ય મુદ્દા રહ્યા હતા.
ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને હમાસ સામેના અભિયાન વચ્ચે આઈસેનકોટ પણ ચૂંટણી મેદાનમાં મજબૂતીથી ઉભા છે. આઈસેનકોટે આગામી 18 મહિનામાં હમાસના શાસનને ખતમ કરવાનું વચન આપ્યું છે. યુદ્ધની આ ભીષણ લડાઈમાં અત્યાર સુધીમાં 74,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. હાલ તો ઇઝરાયેલની જનતાનું પૂરું ધ્યાન પોલિંગ સ્ટેશનો પર છે અને આ ચૂંટણીના પરિણામો મિડલ ઇસ્ટની રાજનીતિની દિશા નક્કી કરવામાં મોટો ભાગ ભજવશે.
