ટાટા ગ્રૂપની કંપની અને દેશની અગ્રેસર આઇફોન મેન્યુફેક્ચરિંગ કંપની એવી ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મોટો દબદબો બનાવવામાં આવ્યો છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (RoC) માં સબમિટ કરવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ, FY26માં ટાટા ઇલેક્ટ્રોનિક્સની 3 સંયુક્ત કંપનીઓનું કુલ એક્સપોર્ટ રેવન્યુ વધીને ₹99,128 કરોડ પર પહોંચી ગયું છે, જે ગત વર્ષની સરખામણીએ 29 ટકાથી વધુનો જબરદસ્ત ઉછાળો દર્શાવે છે. અગાઉ FY25માં આ આંકડો ₹76,953 કરોડ હતો. ચાઇના સિવાયના દેશોમાં પ્રોડક્શન વધારવાની રણનીતિ અંતર્ગત ટાટા ગ્રૂપ હવે એપલના વૈશ્વિક માર્કેટમાં વધુ મજબૂત ખેલાડી બનીને ઉભરી રહ્યું છે.
કંપનીના આંકડાકીય વિશ્લેષણ મુજબ, ટાટા ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ સોલ્યુશન્સ (અગાઉનો વિસ્ટ્રોન બિઝનેસ), ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ (અગાઉની પેગાટ્રોન ટેકનોલોજી ઇન્ડિયા, જેમાં ટાટા પાસે 60 ટકા હિસ્સો છે) દ્વારા આ જબરદસ્ત કામગીરી કરવામાં આવી છે. FY26 દરમિયાન અમેરિકા ખાતેનું એક્સપોર્ટ ₹38,508 કરોડ, તાઈવાનમાં ₹47,930 કરોડ અને આયર્લેન્ડમાં ₹11,980 કરોડ નોંધાયું છે. અમેરિકન બજારમાં જ ટાટાનું કમ્બાઇન્ડ એક્સપોર્ટ આશરે 40 ટકા વધ્યું છે, જે સાબિત કરે છે કે ભારત હવે યુએસ માર્કેટ માટે એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે. આ ઉપરાંત, કંપનીનું ડોમેસ્ટીક સેલ્સ પણ 46 ટકા વધીને ₹30,182 કરોડ પર પહોંચ્યું છે.
એક્સપોર્ટમાં મોટો ઉછાળો આવ્યા છતાં કંપનીના નાણાકીય પાસામાં કેટલાક પડકારો પણ સામે આવ્યા છે. FY26માં કંપનીને કન્સોલિડેટેડ નેટ લોસ વધીને ₹1,611 કરોડ થયો છે, જ્યારે ગત વર્ષે આ લોસ ₹69 કરોડ હતો. જોકે, આ દરમિયાન કંપનીની ઓપરેટિંગ રેવન્યુ 96 ટકા ઉછળીને ₹1,29,902 કરોડ થઈ છે. બીજી તરફ, કંપનીનું વિદેશી હુંડિયામણનું આઉટગો પણ ₹1,29,641 કરોડ નોંધાયું છે, જે દર્શાવે છે કે આઇફોન બનાવવામાં હજુ પણ વિદેશથી આયાત થતા કમ્પોનેન્ટ્સ પર ભારે નિર્ભરતા છે. આ ઉપરાંત, FY26 દરમિયાન ડોલર સામે રૂપિયામાં થયેલા ઘટાડાને કારણે પણ એક્સપોર્ટના આંકડાને વેગ મળ્યો હોવાનું વિશ્લેષકોનું માનવું છે.
