કેરળના ચેરાનલ્લૂર વિસ્તારમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં જયબાલાકૃષ્ણન નામના વ્યક્તિના મોતના મામલે હવે મામલો વધુ ગરમાયો છે. આરોપ છે કે આ કાર એક જજના 17 વર્ષના સગીર પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહી હતી, જેણે સ્કૂટર સવાર જયબાલાકૃષ્ણનને ટક્કર મારી હતી. આ દર્દનાક અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પરિવારજનો દ્વારા છેલ્લા 72 કલાકથી મોટા પાયે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. જોકે, પોલીસ પ્રશાસન દ્વારા લેવાયેલા કેટલાક પગલાં બાદ પરિવારે હાલ પૂરતું આ પ્રદર્શન સ્થગીત કરી દીધું છે અને હવે કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.
આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં મોટી કાર્યવાહી કરતા લાપરવાહી બદલ 4 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ સાથેની વાતચીત અને તપાસના દસ્તાવેજોથી સંતોષ વ્યક્ત કરતા મૃતકના પરિવારે જણાવ્યું હતું કે તેઓ હવે ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે. મૃતકના સંતાનોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે જ હાઈકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરશે અને સંબંધિત જજને પદ પરથી હટાવવાની માંગ કરશે. આ ઉપરાંત, સગીર આરોપીના જામીન રદ્દ કરવા માટે સરકારની સાથે મળીને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ અપીલ કરવામાં આવશે.
પરિવારનું સ્પષ્ટ કહેવું છે કે ભલે હાલ વિરોધ પ્રદર્શન રોકી દેવામાં આવ્યું હોય, પરંતુ તેમની લડાઈ અટકવાની નથી. પીડિત પરિવારની મુખ્ય માંગ એ છે કે માત્ર સગીર પુત્ર જ નહીં પરંતુ ઘટના માટે જવાબદાર જજ પિતાની પણ ધરપકડ થવી જોઈએ. પરિવારે જણાવ્યું હતું કે પિતા અને પુત્ર બંને સામે કાયદાકીય શીકંજો કસાય તે જ તેમની ખરી જીત હશે. પોલીસે આ કેસ સાથે જોડાયેલી તમામ પરિસ્થિતિઓ અને દસ્તાવેજો હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી દીધા છે, અને હવે જજ વિરુદ્ધની આગામી કોઈપણ કાર્યવાહીનો આધાર અદાલતના નિર્ણય પર રહેલો છે.
