JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમદાવાદમાં ટ્રાફિક ફરજ ચાલુ રાખવા હપ્તાની માંગ, એસીબીના છટકામાં હોમગાર્ડના બે કર્મચારી પકડાયા

Oct 27, 2026 | 23:47 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં ટ્રાફિક ફરજ ચાલુ રાખવા હપ્તાની માંગ, એસીબીના છટકામાં હોમગાર્ડના બે કર્મચારી પકડાયા
અમદાવાદના રખિયાલ-ગોમતીપુર E-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાં ટ્રાફિક ફરજ પર ચાલુ રાખવા માટે માસિક હપ્તો માંગનાર ચાર પૈકી બે કર્મચારીઓને એસીબીએ રૂ. 2,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. હપ્તો નહીં આપવાને કારણે ફરિયાદીને અગાઉ ફરજ પરથી હટાવી દેવાયા હતા.

અમદાવાદ શહેરમાં ખાખી અને રક્ષકો જ જ્યારે ભ્રષ્ટાચારના રંગે રંગાય ત્યારે સામાન્ય પ્રજાએ કોની પાસે ન્યાય માંગવો? આવો જ એક શરમજનક કિસ્સો રખિયાલ-ગોમતીપુર E-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાંથી સામે આવ્યો છે, જ્યાં ટ્રાફિકની ફરજ બજાવવા માટે જ કર્મચારીઓ પાસેથી માસિક હપ્તા વસૂલવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ કડક કાર્યવાહી કરીને લાંચ લેનાર બે હોમગાર્ડ જવાનોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે ની સંડોવણી પણ બહાર આવતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ પ્રકરણની વિગતવાર વાત કરીએ તો, ફરિયાદી હોમગાર્ડ કર્મચારીને ટ્રાફિક પોઈન્ટ પર ફરજ ચાલુ રાખવા માટે દર મહિને રૂ. 1,000નો હપ્તો આપવાનું દબાણ કરવામાં આવતું હતું. જ્યારે તેમણે આ ગેરકાયદેસર માંગણી સ્વીકારવાની ના પાડી, ત્યારે બદઈરાદાથી તેમને 20 જુલાઈ 2026ના રોજ ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે મહિનાના કુલ રૂ. 2,000ના હપ્તા પેટે રકમ નક્કી થઈ હતી. આ વાતથી કંટાળીને આખરે પીડિત કર્મચારીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે બાપુનગરના ભીડભંજન ત્રણ રસ્તા પાસે આવેલા ઇન્દુલાલ યાજ્ઞિક હોલના ગેટ આગળ એક ગોપનીય છટકું ગોઠવ્યું હતું, જ્યાં હર્ષમય જશવંતભાઈ સૂર્યવંશી અને તુષાર હસમુખ લેઉવા નામના બે કર્મચારીઓ ફરિયાદી પાસેથી રૂ. 2,000ની લાંચ સ્વીકારતા જ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

એસીબીની આ સફળ ટ્રેપ બાદ આ કેસમાં વિજયભાઈ બી. જાદવ અને પંકજભાઈ લલ્લુભાઈ પરમાર નામના અન્ય બે કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા પણ સામે આવી છે, જેથી ચારેય વિરુદ્ધનો ગાળિયો કસાતો જાય છે. એસીબીની ટીમે સ્થળ પરથી લાંચની રૂ. 2,000ની રકમ પણ સંપૂર્ણપણે કબજે કરી લીધી છે. હાલ તો આ ભ્રષ્ટ હોમગાર્ડ જવાનો સામે કાયદેસરની સખત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને એસીબીના અધિકારીઓ દ્વારા આ સિન્ડિકેટમાં બીજા કોણ કોણ સંડોવાયેલું છે તેની ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

LATEST ARTICLES