JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

GST રજીસ્ટ્રેશન થયું હવે એકદમ સરળ, નાના વેપારીઓને મોટી રાહત આપતા સરકારે બદલ્યા નિયમો

Oct 27, 2026 | 23:47 | By JAMNAGAR MIRROR
GST રજીસ્ટ્રેશન થયું હવે એકદમ સરળ, નાના વેપારીઓને મોટી રાહત આપતા સરકારે બદલ્યા નિયમો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા GST રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવી દેવામાં આવી છે. હવે અરજી મંજૂર કરવા માટે 7 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને ઉદ્યોગ સર્ટિફિકેટ કે લાઈટ બિલના મુદ્દે એપ્લિકેશન રિજેક્ટ નહીં થાય.

નવી દિલ્હીમાં વ્યાપાર જગત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ એટલે કે CBIC દ્વારા GST રજીસ્ટ્રેશનના નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. અત્યાર સુધી નાના વેપારીઓ અને એમએસએમઈ સેક્ટરના લોકોને રજીસ્ટ્રેશન મેળવવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તે હવે નહીં પડે. નવી માર્ગદર્શિકા મુજબ હવે કંપનીઓએ રજીસ્ટ્રેશન માટે ઉદ્યોગ સર્ટિફિકેટ આપવાની કોઈ જરૂર નહીં રહે અને રેસિડેન્શિયલ જગ્યાએથી બિઝનેસ ચલાવવાના કારણોસર પણ કોઈની અરજી રદ કરવામાં નહીં આવે. આ ઉપરાંત વીજળી કે પાણીના બાકી બિલના મુદ્દે પણ એપ્લિકેશનો ફગાવી શકાશે નહીં, જેનાથી કો-વર્કિંગ સ્પેસમાં કામ કરતા અનેક નવા વેપારીઓને સીધો ફાયદો થશે.

નવા નિયમો હેઠળ આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થયા બાદ ટેક્સ અધિકારીઓએ માત્ર 7 જ દિવસમાં રજીસ્ટ્રેશન અરજીઓ પર પ્રોસેસ કરીને મંજૂરી આપવાની રહેશે. ટેક્સ અધિકારીઓ હવે મનસ્વી રીતે ટેક્સ નોટિસ કે ડિમાન્ડ મોકલી શકશે નહીં અને કોઈપણ ડિમાન્ડ પાછળ સ્પષ્ટ પુરાવા અને નાણાકીય વર્ષ મુજબ ગણતરી આપવી પડશે. માત્ર ટેક્સ ઓછો ભર્યો હોવાના કે વિસંગતતાના આધારે જ સીધા ફ્રોડના આરોપ નહીં મૂકી શકાય. જીએસટી કાઉન્સિલની ગઇ 8 ઓક્ટોબરે મળેલી 57મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોના આધારે આ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા છે, જેમાં ટેક્સ ઓફિસરોની ધરપકડ કરવાની સત્તાઓ પણ મર્યાદિત કરવામાં આવી છે અને પ્રોસિક્યુશનની મર્યાદા 1 કરોડથી વધારીને 5 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

સરકારના આ પગલાથી ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં પારદર્શિતા વધશે અને બિનજરૂરી વિવાદો ઘટશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. આ સાથે એક્સપોર્ટર્સ, સર્વિસ સેક્ટર, સ્ટોકબ્રોકર્સ તેમજ બેંકો અને એનબીએફસી માટે પણ ટેક્સ ક્રેડિટ અને પેમેન્ટ સંબંધિત નિયમોમાં મોટી રાહતો આપવામાં આવી છે. આરબીઆઈના નિયમો મુજબ વિદેશી પેમેન્ટ મેળવવાની મુદત અને રુપીયા આધારિત વોસ્ટ્રો એકાઉન્ટના ઉપયોગ અંગે પણ સ્પષ્ટતા કરાઈ છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ સામે ભૂતકાળના રિટર્નમાં ક્રેડિટ રિપોર્ટિંગના તફાવત બાબતે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં, જે સમગ્ર બિઝનેસ ઈકોસિસ્ટમ માટે ખૂબ જ સકારાત્મક સાબિત થશે.

LATEST ARTICLES