ટેકનોલોજી જગતમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે કે શું AI ક્ષેત્રનો મોટો બબલ ફૂટવા જઈ રહ્યો છે કે પછી આ માત્ર બજારમાંથી વધારાની આર્થિક હવા નીકળી રહી છે. ટેસ્લા અને સ્પેસએક્સના બોસ એલોન મસ્કે તાજેતરમાં જ ચેતવણી આપી છે કે 200થી વધુ નિયોક્લાઉડ કંપનીઓ ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે અને તેમાં મોટાપાયે કંપનીઓ બંધ થવા કે મર્જર થવાની પૂરી સંભાવના છે. બીજી બાજુ એનવીડિયાના CEO જેન્સન હુઆંગનું માનવું છે કે કમ્પ્યુટિંગ ક્ષમતાની ડિમાન્ડ ચાર્ટની બહાર એટલે કે ખૂબ જ વધારે છે. આમ છતાં વધતા વ્યાજદરો અને ક્રેડિટની સખત શરતોને કારણે વિશેષ ક્લાઉડ પ્રોવાઈડર્સ એટલે કે ન્યુક્લાઉડની ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી પર જોખમ તોળાઈ રહ્યું છે.
ન્યુક્લાઉડ કંપનીઓ મોટા ડેટા સેન્ટર્સ બનાવીને તેમાં શક્તિશાળી GPUs વસાવે છે અને આ કમ્પ્યુટિંગ પાવર AI ડેવલપર્સને ભાડે આપે છે. આ માટે તેઓ ભારે દેવું કરીને રોકાણ કરે છે. યુએસમાં વ્યાજદરો વધવાની આશંકા અને બોન્ડ પ્રાઈસ ઘટવાને કારણે કોરવેવ અને નેબિયસ જેવી કંપનીઓના શેર પર સીધી અસર પડી છે અને કોરવેવના બોન્ડ્સ પણ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. બજારના દિગ્ગજ એડ યાર્ડેનીનું માનવું છે કે આ AI બબલ ફૂટવા જેવું નથી, પરંતુ ક્રેડિટ માર્કેટ દ્વારા બજારમાં ફાઈનાન્શિયલ ડિસિપ્લિન લાવવાનો પ્રયાસ છે. કડક ક્રેડિટ શરતોને કારણે નબળી કંપનીઓ બહાર થઈ જશે, પરંતુ તેનાથી ઓવરઓલ AI રોકાણનો બૂમ અટકે નહીં તેવી શક્યતા છે.
સંશોધન સંસ્થા ગાર્ટનરના રિપોર્ટ મુજબ AI પ્રોવાઈડર્સ 2026માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લગભગ 1 ટ્રિલિયન ડોલર અને 2027થી 2030 દરમિયાન બીજા 6 ટ્રિલિયન ડોલર ખર્ચ કરી શકે છે. પરંતુ સામે પક્ષે ડેટા સેન્ટર માલિકોને રોકાણ પાછું મેળવવા માટે 8.5 ટ્રિલિયન ડોલરની જરૂર પડશે જ્યારે અપેક્ષિત રેવન્યુ માત્ર 3.6 ટ્રિલિયન ડોલર જ રહેવાનું અનુમાન છે. આ કારણે 2030 સુધીમાં 80 ટકાથી વધુ નિયોક્લાઉડ પ્રોવાઈડર્સનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. માઈક્રોસોફ્ટ, એમેઝોન અને આફ્ટરબેટ (એલ્ફાબેટ) જેવી બિગ ટેક કંપનીઓ પાસે મજબૂત બેકઅપ હોવાથી તેઓ આ ઝાટકો સહન કરી શકે તેવી સ્થિતિમાં છે, પરંતુ જો ખર્ચ રેવન્યુ કરતા વધી ગયો તો સમગ્ર ઇકોસિસ્ટમ પર તેની અસર પડી શકે છે. હાલની સ્થિતિ જોતાં આ AI બૂમ માટે ફાઈનાન્શિયલ ડિસિપ્લિનની પહેલી મોટી ટેસ્ટ સાબિત થઈ રહી છે.
