પનાજી ખાતે મળેલી ગોવા BJP સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગમાં પાર્ટી અધ્યક્ષ નીતિન નવીને વિપક્ષી નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મંગળવારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તેઓ નરેન્દ્ર મોદી સરકારના વિકાસના રેકોર્ડ સામે સવાલો ઉઠાવી શકતા નથી. જ્યારે દેશ વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે ત્યારે કેટલાક રાજકીય નેતાઓ જાણી જોઈને રાજકારણનો અર્થ બદલીને અરાજકતા ફેલાવવામાં લાગેલા છે. તેમણે સવાલ કર્યો હતો કે શું તમે ક્યારેય લોકસભામાં વિપક્ષના નેતાને વિકાસના મુદ્દે ચર્ચા કરતા સાંભળ્યા છે?
આ પ્રસંગે કોંગ્રેસ શાસિત રાજ્યો પર પ્રહાર કરતા નીતિન નવીને કર્ણાટક અને હિમાચલ પ્રદેશની સરકારો ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું હતું. કર્ણાટકમાં લગભગ 3 વર્ષ વીતી જવા છતાં જનતા સાથે કરેલા વાયદા અધૂરા છે, જ્યારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં BJP સરકારો જનતા સાથેના વચનો પૂરા કરી રહી છે. તેમણે ગોવાના કાર્યકર્તાઓને મોદી સરકાર અને પ્રમોદ સાવંત સરકારની ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડવા અપીલ કરી હતી. આગામી સમયમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઘર-ઘર જઈને સરકારના કામોનો હિસાબ આપશે.
વિકાસ અને જનકલ્યાણકારી યોજનાઓના જોરે BJP આગામી 2027ના ગોવા વિધાનસભા ઇલેક્શનમાં 50 ટકાથી વધુ વોટ મેળવીને સરકાર બનાવવા માટે સંપૂર્ણપણે આત્મવિશ્વાસથી ભરેલી છે. લોકસભા ઇલેક્શનમાં પાર્ટીએ 50 ટકાથી વધુ વોટ મેળવ્યા હતા અને હવે વિધાનસભા ઇલેક્શનમાં પણ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે દરેક બૂથ જીતવાનો સંકલ્પ લેવાયો છે. નીતિન નવીને આયુષ્માન ભારત અને PM કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ યોજનાઓએ લોકોના જીવનમાં મોટો બદલાવ લાવ્યો છે. આ સાથે તેમણે સ્વર્ગસ્થ મનોહર પર્રિકરને યાદ કરીને તેમની સાદગી અને ઈમાનદારીના વખાણ કર્યા હતા અને 2014ની ઇલેક્શન પહેલા ગોવાએ ભજવેલી મહત્વની ભૂમિકાને પણ યાદ કરી હતી.
