JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

T20 ક્રિકેટમાં અશક્ય લાગતો રેકોર્ડ, દિલ્હીના સ્કૂલ ક્રિકેટરે માત્ર 93 બોલમાં ફટકાર્યા 311 રન

Oct 27, 2026 | 20:55 | By JAMNAGAR MIRROR
T20 ક્રિકેટમાં અશક્ય લાગતો રેકોર્ડ, દિલ્હીના સ્કૂલ ક્રિકેટરે માત્ર 93 બોલમાં ફટકાર્યા 311 રન
દિલ્હીમાં રમાઈ રહેલી સ્કૂલ્સ ટોટલ T20 ટુર્નામેન્ટમાં સુમેરમલ જૈન સ્કૂલના કેપ્ટન આર્યન શર્માએ દુનિયાને ચોંકાવી દીધી છે. તેણે માત્ર 93 બોલમાં 311 રનની અણનમ વિસ્ફોટક ઇનિંગ રમી છે, જેમાં તેણે 30 છગ્ગા અને 27 ચોગ્ગા ફટકાર્યા હતા. આ જ ટુર્નામેન્ટમાં તન્મય ચૌધરી નામના અન્ય એક યુવા ખેલાડીએ પણ 278 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે.

ક્રિકેટના ટ્રોફી ફોર્મેટ એટલે કે T20માં સામાન્ય રીતે બેટ્સમેનો અડધી સદી કે સદી ફટકારીને હલ્લો મચાવતા હોય છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટની જેમ T20માં પણ ત્રિપલ સેન્ચુરી ફટકારી શકાય તેવો કલ્પના બહારનો કમાલ દિલ્હીના એક યુવા ખેલાડીએ કરી બતાવ્યો છે. સુમેરમલ જૈન સ્કૂલ તરફથી રમતા કેપ્ટન આર્યન શર્માએ ઇન્દ્રપ્રસ્થ વર્લ્ડ સ્કૂલ સામેની મેચમાં મેદાનની ચારેય બાજુ રનનો વરસાદ વરસાવી દીધો હતો. વિરોધી ટીમના બોલરો પાસે આર્યનના આક્રમણનો કોઈ જવાબ નહોતો અને તેની આ તોફાની બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આર્યન શર્માએ માત્ર 93 બોલનો સામનો કરીને 334ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 311 રન બનાવ્યા હતા, જેમાં ચોંકાવનારી વાત એ છે કે તેણે પોતાની આ ઇનિંગમાં 30 છગ્ગા અને 27 ચોગ્ગા ફટકાર્યા હતા. માત્ર આર્યન જ નહીં, પરંતુ આ જ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ મેચમાં દિલ્હીના 17 વર્ષીય તન્મય ચૌધરીએ પણ 22 ચોગ્ગા અને 27 છગ્ગાની મદદથી 278 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તન્મયે એક જ ઓવરમાં 5 છગ્ગા અને બીજી ઓવરમાં 3 છગ્ગા સહિત સતત 8 છગ્ગા ફટકારવાનો અદભુત રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

તન્મયના પિતા સતીશ ચૌધરીના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર છેલ્લા 7 વર્ષથી ક્રિકેટની તાલીમ લઈ રહ્યો છે અને તે અત્યાર સુધીમાં સ્થાનિક ક્રિકેટમાં આશરે 100 સદી અને 10 થી 12 બેવડી સદી ફટકારી ચૂક્યો છે. અગાઉ ગયા વર્ષે અંડર-19 T20 મેચમાં પણ તેણે 74 બોલમાં અણનમ 228 રન બનાવ્યા હતા. આ પ્રકારના યુવા ખેલાડીઓનું આટલું શાનદાર પ્રદર્શન સાબિત કરે છે કે આગામી સમયમાં ભારતીય ક્રિકેટને એકથી એક ચડિયાતા વિસ્ફોટક બેટ્સમેનો મળવાના છે.

LATEST ARTICLES