મુંબઈના મિંટ રોડ પર યોજાયેલી સ્ટેટ ફાઇનાન્સ સેક્રેટરીઝની 36મી કન્ફરન્સમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ મંગળવારે રાજ્યોને નાણાકીય સ્વાસ્થ્ય સુધારવા માટે મહત્વની ટિપ્સ આપી હતી. તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ખર્ચની ગુણવત્તા સુધારે તેમજ લાંબા ગાળાની નાણાકીય મજબૂતાઈ માટે સમજદારીપૂર્વક બોરોઈંગ અને કેશ મેનેજમેન્ટની પદ્ધતિઓ અપનાવે. આ બેઠકનો મુખ્ય હેતુ રાજ્યોની રાજકોષીય સ્થિરતા વધારવા માટે ખર્ચની ગુણવત્તા અને સમજદારીપૂર્વક દેવા પ્રબંધન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.
આ મહત્વની બેઠકમાં દેશના 27 રાજ્યો અને 3 યુનિયન ટેરિટરીઝના ફાઇનાન્સ સેક્રેટરીઝ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ફાઇનાન્સ મિનિસ્ટ્રી, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ અને કેગના સિનિયર ઓફિશિયલ્સ પણ આ કન્ફરન્સમાં જોડાયા હતા. બેઠક દરમિયાન રાજ્યો દ્વારા માર્કેટમાંથી લેવામાં આવતી લોન અને આરબીઆઈના શોર્ટ-ટર્મ ફાઇનાન્સિયલ સપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. આ અવસરે ગવર્નર મલ્હોત્રા દ્વારા 'કમ્પેન્ડિયમ ઓન કેશ એન્ડ ડેબ્ટ મેનેજમેન્ટ ફોર સ્ટેટ ગવર્નમેન્ટ્સ' નામની એક બુકલેટ પણ રિલીઝ કરવામાં આવી હતી.
વધુમાં ગવર્નર મલ્હોત્રાએ રાજ્યોને યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ એટલે કે ULI સાથે જોડાવા અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે પ્રોગ્રામેબલ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઈ રાજ્ય સરકારો અને યુનિયન ટેરિટરીઝને તેમની આવક અને ચૂકવણી વચ્ચેના અસંતુલનને દૂર કરવા માટે લિક્વિડિટી સપોર્ટ પૂરો પાડે છે. ગત મહિને સેન્ટ્રલ બેંકની લિક્વિડિટીની સમીક્ષા માટે રચાયેલી હાઇ-લેવલ પેનલે નોંધ્યું હતું કે કેટલાક રાજ્યો લિક્વિડિટી સપોર્ટ માટે વધુ પડતા આરબીઆઈ પર નિર્ભર છે, જ્યારે કેટલાક રાજ્યો ઇમરજન્સી બોરોઈંગથી બચવા માટે ખૂબ ઊંચું કેશ બેલેન્સ જાળવી રાખે છે.
