ચંદ્ર પર માનવ વસવાટનું સ્વપ્ન સાકાર કરવા માટે વૈજ્ઞાનિકો સતત મહેનત કરી રહ્યા છે, પરંતુ જેમ-જેમ પૃથ્વીથી સામાન મોકલવામાં આવશે તેમ-જેમ ત્યાં પેકિંગ મટીરિયલ અને કચરો પણ વધતો જશે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મસાજ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે MITના સ્ટુડન્ટ્સની બનેલી CERBERUZ ટીમે એક એવું શાનદાર મિકેનિઝમ તૈયાર કર્યું છે, જે ચંદ્ર પર જમા થતા કચરાને ઉપયોગી ઓજારો અને સ્પેર પાર્ટ્સમાં બદલી નાખે છે. આ ટીમે નાસાની આ સ્પર્ધાના બંને ટ્રેક જીતીને કુલ 925,000 ડોલરની પ્રાઈઝ મની પોતાના નામે કરી છે અને સ્પેસ રિસર્ચમાં નવો ઇતિહાસ રચ્યો છે.
આ સિસ્ટમની કામ કરવાની રીત ખૂબ જ રસપ્રદ છે જેમાં બાયોલોજિકલ ન હોય તેવા કચરાને બે ભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં ગરમ કરવાથી પીગળી જાય તેવા પ્લાસ્ટિક અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આ તમામ કચરાને બારીક પાવડરમાં ફેરવીને ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનમાં નાખવામાં આવે છે, જ્યાં પ્લાસ્ટિક પીગળીને બીજા ટુકડાઓને મજબૂતાઈથી જોડી દે છે અને એક મજબૂત ઘન પદાર્થ તૈયાર થાય છે. એટલું જ નહીં, આ ટીમે એવા ઝોટેક એફ30 મટીરિયલને પણ રીસાઇકલ કરી બતાવ્યું છે જેનો ઉપયોગ એરોસ્પેસ પેકિંગમાં થાય છે અને પૃથ્વી પર પણ અત્યાર સુધી તેને રીસાઇકલ કરવાની કોઈ રીત શોધી શકાઈ નહોती.
ચંદ્રના કઠિન વાતાવરણને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમમાં પાણી કે બદલી ન શકાય તેવા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં નથી આવ્યો જેથી એસ્ટ્રોનૉટ્સ ત્યાં સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. આ હાર્ડવેરની સાથે ટીમે DEIMOS નામનું એક ડિજિટલ મોડેલ પણ બનાવ્યું છે જે કમ્પ્યુટર પર જ ટેસ્ટ કરીને એ વાતની આગાહી કરે છે કે મટીરિયલ મોલ્ડમાં કેવું આકાર લેશે. 2025માં ફેઝ 1ના વિજેતા બન્યા બાદ 2026ના ઉનાળામાં ફાઇનલ ડેમોન્સ્ટ્રેશન સુધીની સફર ખેડીને આ સફળતા મેળવનાર આ ટીમમાં 4 અલગ-અલગ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ સામેલ હતા, જેમને પૂર્વ નાસા એસ્ટ્રોનૉટ જેફરી હોફમેન અને જ્યોર્જ લોર્ડોસનું માર્ગદર્શન મળ્યું હતું.
