ઉત્તર પ્રદેશમાં ગઠબંધન અંગે કોંગ્રેસની 150 થી 200 સીટોની માંગ સામે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે સવાલો ઉઠાવ્યા છે. તેમણે અગાઉના ઇલેક્શન પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને સીટોની વહેંચણી કરવા પર ભાર મૂક્યો છે.
લખનૌમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા MP સંજય સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ એસેમ્બલી ઇલેક્શન માટે સમાજવાદી પાર્ટી સાથેના ગઠબંધનમાં કોંગ્રેસ દ્વારા 150 થી 200 સીટો માંગવી એકદમ અવાસ્તવિક અને અયોગ્ય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ પક્ષે સીટોની માંગણી કરતી વખતે ભૂતકાળના ઇલેક્શન રિઝલ્ટ અને પોતાના પર્ફોર્મન્સને નજર સમક્ષ રાખવું જોઈએ. કોંગ્રેસની અગાઉની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે યાદ અપાવ્યું કે ગત એસેમ્બલી ઇલેક્શનમાં કોંગ્રેસને માત્ર 2 સીટો મળી હતી અને માંડ 2.5 ટકા વોટ શેર આવ્યો હતો, તેથી આ હકીકતને ધ્યાનમાં રાખીને જ અખિલેશ યાદવ અને કોંગ્રેસે સીટોની વહેંચણી પર નિર્ણય કરવો જોઈએ.
સંજય સિંહે કટાક્ષ કરતા કહ્યું કે જો કોઈ પાર્ટી માત્ર 2 સીટો જીત્યા પછી 200 સીટો માંગતી હોય તો સમાજવાદી પાર્ટી જેણે 111 સીટો જીતી છે તે કેટલી સીટો માંગશે? આ લોજીક પ્રમાણે તો 1000 સીટો માંગવી પડે અને યુપી એસેમ્બલીની સીટો વધારીને 1500 થી 2000 કરવી પડે. આ સાથે તેમણે હરિયાણા ઇલેક્શનના પોતાના અનુભવને યાદ કરતા કોંગ્રેસ પર ગઠબંધન બાબતે ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે હરિયાણામાં પહેલા કોંગ્રેસે આપ પાર્ટીને 6 સીટો આપવાની વાત કરી, પછી ઘટાડીને 4 કરી અને અંતે માત્ર 2 સીટો જ ઓફર કરી, જેના કારણે વાત અટકી ગઈ હતી. બાદમાં આપ પાર્ટીએ ત્યાં એકલા ઇલેક્શન લડીને 2 થી 2.5 ટકા વોટ મેળવ્યા હતા, જ્યારે તે બેઠકો પર કોંગ્રેસને પણ ધાર્યું પરિણામ મળ્યું નહોતું.
આગામી રાજકીય સમીકરણો પર વાત કરતા સંજય સિંહે ચેતવણી આપી હતી કે જો ગઠબંધનના સાથીદારો સાથે આવી જ રીતે વર્તન કરવામાં આવશે તો તેનું પરિણામ નુકસાનકારક સાબિત થશે અને અંતે તેનો સીધો ફાયદો ભાજપને જ મળશે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી છે કે ગઠબંધન વખતે વાજબી અને તર્કસંગત માંગણીઓ જ કરવી જોઈએ જેથી વિરોધી પક્ષને લાભ ન મળી શકે. ઇલેક્શનના માહોલમાં સાથી પક્ષોમાં તાલમેલ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે.
