કુદરતી આફતો અને સંભવિત ખતરાઓને ધ્યાનમાં રાખીને દુનિયાના મોટા દેશોએ પોતાના નાગરિકો અને તંત્રને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા અને બ્રિટન બાદ હવે જપાન સરકારે પણ પોતાના નાગરિકો માટે એક ઈમરજન્સી એડવાઈઝરી જારી કરી છે. જપાનની નવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી આવતી 2 નવેમ્બરથી કામ શરૂ કરશે અને તે જ દિવસે નાગરિકો માટે સત્તાવાર અપીલ જારી કરવામાં આવશે. આ અપીલ હેઠળ લોકોને અર્થક્વેક કે અન્ય કુદરતી આપત્તિઓ વખતે ઓછામાં ઓછા 3 દિવસથી લઈને 1 અઠવાડિયા સુધી બહારની મદદ વગર જાતે જ બચી શકાય તે માટે જરૂરી સામાન ઘરે રાખવા પ્રોત્સાહિત કરવામાં આવશે. બીજી તરફ બ્રિટને પણ ગત 22 ઓક્ટોબરે પોતાની બ્રેડી કેમ્પેઈન રી-લોન્ચ કરી છે, જે અંતર્ગત પાવર કટ, સાયબર અટેક કે ખરાબ હવામાન જેવી સ્થિતિમાં 72 કલાક સુધી સાચવી શકાય તેવી તૈયારી રાખવા કહ્યું છે.
જપાન સરકારની આ અપીલ મુખ્યત્વે અર્થક્વેક અને માઉન્ટ ફુજીના સંભવિત વિસ્ફોટ જેવી કુદરતી આફતો સામે રક્ષણ મેળવવા માટે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારી મદદ પહોંચવામાં મોડું થાય તો નાગરિકોએ જાતે પહોંચી વળવું પડશે, જેના માટે પ્રતિ વ્યક્તિ દીઠ રોજનું 3 લીટર પીવાનું પાણી, ચોખા અને કેન ફૂડ જેવી લાંબો સમય ટકી રહે તેવી ખાવાની ચીજો તથા પોર્ટેબલ ટોયલેટ કે બેગનો સ્ટોક રાખવા સલાહ આપવામાં આવી છે. બ્રિટનમાં પણ ગવર્નમેન્ટે બોટલનું પાણી, ફર્સ્ટ-એઇડ કિટ, ટોર્ચ અને બેટરી જેવી વસ્તુઓ 3 દિવસ સુધી ઘર ચલાવવા માટે તૈયાર રાખવા કહ્યું છે. આ તરફ અમેરિકામાં પેન્ટાગોને FORTRESS નામના પ્લાન અંતર્ગત દેશના તમામ મોટા મિલિટરી બેઝને બહારની સપ્લાય વગર ઓછામાં ઓછા 90 દિવસ સુધી એકદમ સ્વતંત્ર રીતે ઓપરેટ કરી શકાય તેવું મજબૂત બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે, જેથી કોઈપણ યુદ્ધ કે સંકટ સમયે પાવર અને સપ્લાય ચેઈન ખોરવાય તો પણ સેનાને મુશ્કેલી ન પડે.
આ તમામ દેશોના અચાનક આવેલા આ પ્રકારના એલર્ટ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતોને લઈને યૂઝર્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું દુનિયામાં કોઈ મોટું સંકટ આવવાનું છે? કેટલાક યૂઝર્સે ચિંતા વ્યક્ત કરી છે કે અમેરિકા, બ્રિટન અને જપાન ત્રણેય એકસાથે આવી ચેતવણીઓ કેમ આપી રહ્યા છે. જોકે, સત્તાવાર નિવેદનો અને એક્સપર્ટ્સ સ્પષ્ટ કરી રહ્યા છે કે આ જાહેરાતો કોઈ ખાસ વૈશ્વિક આપત્તિના આગમનની પૂર્વસૂચના નથી, પરંતુ અલગ-અલગ દેશોની તેમની સ્થાનિક ભૂગોળ અને સુરક્ષા જરૂરિયાતો મુજબની રૂટીન આપત્તિ વ્યવસ્થાપન તૈયારીઓ છે. મુખ્ય સંદેશ એ જ છે કે કોઈપણ મોટી ઈમરજન્સી વખતે સરકારી મદદ મળવામાં સમય લાગી શકે છે, તેથી દરેક નાગરિકે પ્રાથમિક જરૂરિયાતોનો સ્ટોક ઘરે રાખવો જ હિતાવહ છે.
