પૂર્વ ભૂમધ્ય સાગરમાં દરિયાઈ અધિકારો અને ક્ષેત્રીય શાંતિને લઈને માહોલ ગરમાયો છે, જ્યાં ગ્રીસે ટર્કી અને લિબિયા વચ્ચે થયેલા દરિયાઈ કરાર સામે મોરચો ખોલ્યો છે. ન્યૂ યોર્કમાં યોજાયેલી યુનાઇટેડ નેશન્સની બેઠકમાં ગ્રીસને ઇજિપ્ત, બહેરીન અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) તરફથી મોટો ટેકો મળી ગયો છે. થોડા દિવસો પહેલા જ લિબિયાની પૂર્વીય સંસદે 2019માં ટર્કી અને લિબિયાની સરકાર વચ્ચે થયેલા દરિયાઈ સીમાના વિવાદાસ્પદ કરારને મંજૂરી આપી હતી, જેના પગલે આ આંતરરાષ્ટ્રીય વિવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે.
સોમવારે યુનાઇટેડ નેશન્સમાં ગ્રીસના વિદેશ મંત્રી જ્યોર્જ ગેરાપેટ્રિટિસે ગ્રીસ, ઇજિપ્ત, બહેરીન, UAE, સાયપ્રસ અને યુરોપિયન યુનિયન તરફથી એક સંયુક્ત નિવેદન રજૂ કર્યું હતું. આ દેશોએ સ્પષ્ટ શબ્દોમાં વર્ષ 2019ના ટર્કી-લિબિયા મેમોરેન્ડમને નલ એન્ડ વોઈડ એટલે કે રદબાતલ જાહેર કર્યું છે. આ વિવાદની શરૂઆત 27 નવેમ્બર 2019ના રોજ થઈ હતી, જ્યારે ઇસ્તંબુલમાં ટર્કી અને લિબિયાની સરકારે દરિયાઈ સીમા નક્કી કરવા માટે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સમસ્યા એ છે કે આ કરારની સીમાઓ એવા વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં ગ્રીસ પોતાના ટાપુઓ, ખાસ કરીને ક્રેટના આધારે દરિયાઈ અધિકારોનો દાવો કરે છે. ગ્રીસ અને સાયપ્રસનું કહેવું છે કે આ ડીલ તેમના દરિયાઈ અધિકારોનું હનન કરે છે, જ્યારે ટર્કી આ કરારને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબનો હોવાનું જણાવીને બચાવ કરી રહ્યું છે.
આ દરિયાઈ વિવાદ પાછળ મુખ્ય કારણ ઓફશોર ઓઈલ અને ગેસના સંસાધનો મેળવવાની દોડ છે, જેના કારણે ઇજિપ્ત અને સાયપ્રસ પણ આ કરારનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તે તેમના દાખલાઓ સાથે ઓવરલેપ થાય છે. ગ્રીસે ક્રેટની દક્ષિણમાં હાઇડ્રોકાર્બન શોધવા માટે એક કન્સોર્ટિયમને લાયસન્સ પણ આપ્યું છે. આ તમામ દેશોએ ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય કાયદાની અવગણના કરતા આવા દ્વિપક્ષીય કરારો ક્ષેત્રીય સુરક્ષા માટે ખતરનાક મિસાલ બેસાડે છે. હાલ તો આ દેશોએ તમામ વિવાદો ડાયલોગ અને આંતરરાષ્ટ્રીય કાયદાના માધ્યમથી જ ઉકેલવા પર ભાર મૂક્યો છે, જેથી મેડિટેરેનિયન ક્ષેત્રમાં શાંતિ જળવાઈ રહે.
