સરદાર સરોવર પ્રોજેક્ટને લઈને ગુજરાત સહિત ચાર રાજ્યો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા નાણાકીય વિવાદના ઉકેલની દિશામાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. નવી દિલ્હી ખાતે મળેલી નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિની 15મી બેઠકમાં સરદાર સરોવર યોજના સાથે સંકળાયેલા વર્ષોથી પડતર નાણાકીય વિવાદના સમાધાનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના ડૉ. મોહન યાદવ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના ભજનલાલ શર્મા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર સરોવર યોજનાને લઈને ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે દાયકાઓથી બાંધકામ ખર્ચની વહેંચણી, વ્યાજ, ડૂબાણગ્રસ્ત જમીનનું વળતર તેમજ પુનર્વસનના ખર્ચને લઈને ગંભીર મતભેદો હતા. ગુજરાત સરકારના આંકડાઓ મુજબ, 31 જુલાઈ 2025ની સ્થિતિએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતના કુલ રૂ. 7,974.86 કરોડ લેવાના બાકી નીકળતા હતા, જેમાં એકલા મધ્યપ્રદેશ પાસેથી રૂ. 5,516.50 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી રૂ. 1,883.84 કરોડ અને રાજસ્થાન પાસેથી રૂ. 574.52 કરોડ સામેલ હતા. આ જટિલ વિવાદને ઉકેલવા ગત 7 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મધ્યસ્થતા હેઠળ વન-ટાઈમ સેટલમેન્ટ કરાયું હતું. જેમાં પુનઃવસન ખર્ચમાં મધ્યપ્રદેશનો હિસ્સો 31.98 ટકાથી ઘટાડીને 16.17 ટકા અને મહારાષ્ટ્રનો હિસ્સો 7.76 ટકા કરાયો છે, જ્યારે મુખ્ય લાભાર્થી તરીકે ગુજરાતનો હિસ્સો 75 ટકા કરી દેવાયો છે અને મધ્યપ્રદેશે પણ ગુજરાત સામેનો રૂ. 7,669 કરોડનો દાવો જતો કર્યો છે.
કેન્દ્રીય મંત્રીએ આ સમગ્ર ઘટનાને માત્ર બાકી નાણાંની લેવડદેવડના પ્રશ્નનો અંત જ નહીં, પરંતુ પરસ્પર મતભેદોને પાછળ છોડીને નવા વિશ્વાસ અને સહિયારા વિકાસના યુગની શરુઆત ગણાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સધાયેલી આ સમજૂતીથી સહકારી સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સમજૂતી દેશના વિકસિત ભારત 2047 ના મહાન લક્ષ્ય તરફ આગળ વધવા માટેનું એક અત્યંત સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે, જેનાથી ચારેય રાજ્યોના ખેડૂતો અને નાગરિકોના સર્વાંગી કલ્યાણનો રસ્તો વધુ મજબૂત બનશે.
