દેશની સૌથી મોટી કારમેકર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ નોંધાવ્યું છે. આ સમયગાળા દરમિયાન કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે 26.5% વધીને રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે અને કુલ રેવન્યુ પણ ₹50,600 કરોડને પાર કરી ગઈ છે. જોકે, વાહનોની જબરદસ્ત ડિમાન્ડ વચ્ચે પણ વેસ્ટ એશિયાના તણાવના કારણે વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવ વધતા અને વિદેશી મુદ્રાની પ્રતિકૂળ સ્થિતિને કારણે કંપનીના ઓપરેટિંગ નફામાં મોટો ઘટાડો નોંધાયો છે.
કંપનીના સત્તાવાર ડેટા મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ EBITDA 6.3% ઘટી ગયો છે, જ્યારે ઓપરેટિંગ EBIT માં 17.1% નો ઘટાડો થયો છે. આ ક્વાર્ટરમાં મટિરિયલનો ખર્ચ વધીને નેટ સેલ્સના લગભગ 80% સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં અંદાજે 76% હતો. મટિરિયલ પાછળ વધુ ખર્ચ થવાથી ઓપરેટિંગ EBITDA માર્જિન 12.7% થી ઘટીને સીધું 9.4% થઈ ગયું છે. આ વધેલા ખર્ચ અને રોકાણો પર થયેલા માર્ક-ટુ-માર્કેટ નુકસાનના કારણે કંપનીનો નેટ પ્રોફિટ પણ ઘટીને ₹2,414.9 કરોડ પર આવી ગયો છે, જે ગત વર્ષે સમાન ક્વાર્ટરમાં ₹3,302.8 કરોડ હતો.
માર્જિન પર દબાણ છતાં મારુતિ સુઝુકી માટે ડોમેસ્ટિક માર્કેટમાં ગ્રાહકોનો ભારે સપોર્ટ રહ્યો છે અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ ભારતમાં અંદાજે 5.9 લાખ ગાડીઓનું વેચાણ કર્યું છે, જે 33.6% નો ઉછાળો દર્શાવે છે. એસયુવી અને યુટિલિટી વ્હીકલ્સની મજબૂત ડિમાન્ડના કારણે કંપનીનો પેસેન્જર વ્હીકલ માર્કેટ શેર વધીને 40.8% થઈ ગયો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં કંપની પાસે લગભગ 2 લાખ પેન્ડિંગ બુકિંગ્સ અને 17 દિવસનું નેટવર્ક ઇન્વેન્ટરી બેકલોગ છે. જૂન ક્વાર્ટરની સરખામણીમાં સપ્ટેમ્બરમાં માર્જિનમાં થોડો સુધારો जरूर જોવા મળ્યો છે, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિ અને વધતા ઉત્પાદન ખર્ચને કારણે કંપની આગામી સમયમાં પણ કોસ્ટ કંટ્રોલ અને પ્રોફિટબિલિટી પર વિશેષ ધ્યાન આપી રહી છે.
