JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકનું મોટું એલાન

Oct 27, 2026 | 17:05 | By JAMNAGAR MIRROR
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા માટે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોકનું મોટું એલાન
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે દિલ્હીમાં ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પબ્લિક ઇમ્પીચમેન્ટના પ્રસ્મિત કાર્યક્રમની મંજૂરી જાણી જોઈને રદ કરવામાં આવી છે. અશોકા હોટેલ અને રામલીલા મેદાન પર પોલીસે અડચણો ઊભી કર્યા બાદ હવે વિપક્ષે સરકાર સામે આરપારની લડાઈનું એલાન કર્યું છે.

દિલ્હીમાં રાજકારણ એ સમયે ગરમાયું જ્યારે કોંગ્રેસ દ્વારા ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં એક મોક પાર્લામેન્ટ અને પબ્લિક ઇમ્પીચમેન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે મંગળવારે આક્ષેપ કર્યો હતો કે સરકારી અશોકા હોટેલમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ પોલીસના દબાણને કારણે હોટેલ પ્રશાસને છેલ્લી ઘડીએ મંજૂરી રદ કરી દીધી હતી. આટલું જ નહીં, આગામી 1 નવેમ્બરના રોજ રામલીલા મેદાન ખાતે યોજાનાર મેગા રેલી અને માર્ચ પહેલાં ત્યાં સ્ટેજ સેટઅપ કરતી વખતે પણ દિલ્હી પોલીસ દ્વારા કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે આ કોઈ સામાન્ય પોલીસ કાર્યવાહી નથી, પરંતુ પીએમ મોદી અને અમિત શાહના ઈશારે તેમના ચહીતા અધિકારીને બચાવવા માટે કરવામાં આવી રહેલા પેંતરા છે.

આ વિવાદ વચ્ચે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે રામલીલા મેદાન પર યોજાનાર રેલીની મંજૂરી રદ કરવામાં આવી નથી અને અગાઉ આપેલી મંજૂરી યથાવત છે. સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રોહિત રાજબીર સિંહે જણાવ્યું કે 25 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી રામલીલા મેદાન બુક કરવા માટે પોલીસ દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું. જોકે, અશોકા હોટેલના કાર્યક્રમ અંગે પોલીસનું કહેવું છે કે તે હોટેલની ખાનગી જગ્યા હોવાથી તેનો નિર્ણય હોટેલે જ લેવાનો હતો. પોલીસે 1 નવેમ્બરની રેલી માટે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે, જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો કરવાનો, એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ પર હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાના, સાંપ્રદાયિક સૌહાર્દ બગડે તેવા ભાષણો પર પ્રતિબંધ અને રાત્રે મેદાનમાં રોકાણ ન કરવા જેવી શરતોનો સમાવેશ થાય છે.

કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતા ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારને પીએમ મોદી અને અમિત શાહની કઠપૂતળી ગણાવ્યા છે અને જ્યાં સુધી તેમને હોદ્દા પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી જંપ નહીં લેવાની જાહેરાત કરી છે. વિપક્ષી ઇન્ડિયા બ્લોકમાં સામેલ 21 જેટલા પક્ષો આ મુદ્દે એકછત્ર નીચે આવ્યા છે અને જો તેમને રોકવામાં આવશે તો સીધા પીએમ મોદી કે અમિત શાહના ઘર સામે મોટું ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ચૂંટણી પ્રણાલીમાં કથિત ગરબડો અને મતદાર યાદીના ખાસ સુધારણા અભિયાન સામે વિરોધ નોંધાવવા માટે શરૂ થયેલી આ લડાઈ હવે આગામી દિવસોમાં દેશના રાજકારણમાં મોટો વળાંક લાવી શકે તેમ છે.

LATEST ARTICLES