તમિલનાડુના કાયદો અને વ્યવસ્થા સામે એક મોટો સવાલ ઊભો કરતી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં થેની જિલ્લાની સબ-જેલમાંથી સોમવારે મોડી રાત્રે એકસાથે ૧૭ કેદીઓ જેલ તોડીને ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને પોલીસે મોડી રાત્રે જ નાકાબંધી કરીને તાત્કાલિક કાર્યવાહી કરતા ૧ કેદીને ફરીથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં કેદીઓ ભાગી છૂટવાથી સ્થાનિક વહીવટી તંત્ર અને જેલ પ્રશાસનની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે અને પ્રારંભિક તબક્કે રક્ષકોની બેદરકારી કે કોઈ આયોજનબદ્ધ ષડયંત્ર હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.
ઘટનાની ગંભીરતા જોતા દક્ષિણ ક્ષેત્રના આઈજીપી વિજયેન્દ્ર બિદારી અને ડિડીગુલના એસપી એસ. જયકુમારે મોરચો સંભાળી લીધો છે, અને ફરાર થયેલા બાકીના ૧૬ કેદીઓને ઝડપી પાડવા માટે ૧૭ ખાસ તપાસ ટીમોની રચના કરવામાં આવી છે. થેની જિલ્લાની સરહદોને અડીને આવેલા પડોશી ડિડીગુલ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે વ્યૂહાત્મક રીતે 16 મહત્વના સ્થળો પર સ્પેશિયલ ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે. હાઇવે અને આંતરિક માર્ગો પરથી પસાર થતી તમામ બસો, ટ્રકો, કાર અને ટુ-વ્હીલર સહિતના વાહનોનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે તેમજ પોલીસ અને ગુપ્તચર વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.
ભાગી છૂટેલા કેદીઓ આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે જંગલ તરફ છુપાયા હોવાની શંકાને પગલે ખાસ સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે, અને ફોરેન્સિક ટીમ તેમજ ટેકનિકલ સેલની મદદથી કેદીઓ જેલમાંથી કઈ રીતે બહાર નીકળ્યા તેની કડીઓ મેળવાઈ રહી છે. ચેકપોસ્ટ પર તહેનાત જવાનોને દરેક શંકાસ્પદ વ્યક્તિની આઇડેન્ટિટી ચકાસવા અને ૨૪ કલાક સતર્ક રહેવા કડક આદેશ અપાયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઓપરેશનનું કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી તમામ ફરાર કેદીઓને વહેલી તકે જેદસ સળિયા પાછળ ધકેલી શકાય.
