રાજકોટ શહેરમાં અગાઉ સ્પા અને હેલ્થ સેન્ટરની આડમાં કુટણખાના ઝડપાયા બાદ હવે પોલીસે મેરેજ બ્યુરો અને સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. વિરાણી ચોક પાસે આવેલા ગુરુરક્ષા કોમ્પ્લેક્સની ઓફિસમાં મેરેજ બ્યુરોની આડમાં અને કાલાવડ રોડ પર કોસ્મો કોમ્પ્લેક્સમાં આવેલા ફ્લોરેન્સ વેલનેસ સ્પામાં મસાજના નામે અનૈતિક દેહવ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બંને સ્થળોએ ડમી ગ્રાહક મોકલીને આ રંડાફાનો પર્દાફાશ કર્યો હતો અને સ્થળ પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડી પાડી હતી.
વિરાણી ચોક પાસેની ઓફિસ નં. 207માં ચાલતા મેરેજ બ્યુરોમાં ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા ઉઘરાવીને અલાયદી રૂમમાં મોકલવામાં આવતા હતા. પોલીસે આ દરોડા દરમિયાન 51 વર્ષની જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતન પુજારા અને તેના 22 વર્ષના પુત્ર મીત ચેતન પુજારાની ધરપકડ કરી છે, જેઓ કોઠારીયા રોડ પરના શારદા એપાર્ટમેન્ટમાં રહે છે. આ ઉપરાંત, કાલાવડ રોડ પર મહીલા કોલેજ ચોક નજીક ફ્લોરેન્સ વેલનેસ સ્પામાં દરોડો પાડીને સ્પા સંચાલક ગણેશ લક્ષ્મણજી મીના (ઉ.વ. 23, રહે. ઉદયપુર, રાજસ્થાન) ની પણ પોલીસે ધરપકડ કરી છે. આ સ્પામાં એન્ટ્રી ફી તરીકે 1000 રૂપિયા અને વધારાની સર્વિસ માટે 2500 રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે આ બંને સફળ દરોડા દરમિયાન મેરેજ બ્યુરોમાંથી 1 યુવતી અને સ્પામાંથી 3 યુવતીઓ મળી કુલ 4 યુવતીઓને મુક્ત કરાવી છે. તેમજ સ્થળ પરથી રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ 8,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ સામે એ.ડીવીઝન પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ધી ઈમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુના દાખલ કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.
