JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

ઓપરેશન ગંગાજળ: ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેતા વધુ બે ક્લાસ-વન અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત

Oct 27, 2026 | 18:07 | By JAMNAGAR MIRROR
ઓપરેશન ગંગાજળ: ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેતા વધુ બે ક્લાસ-વન અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે લાલ આંખ કરી વધુ બે સિનિયર GAS અધિકારીઓને ઘરભેગા કર્યા છે. અગાઉ આઈએએસ અધિકારીઓ પર ગાજ વરસી ચૂકી છે ત્યારે સરકારી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે અત્યંત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે રાજ્ય સરકારે વધુ બે ક્લાસ-વન (વર્ગ-1)ના ગુજરાત વહીવટી સેવા (GAS)ના વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશો આપી દીધા છે. સરકારી વહીવટી તંત્રમાં શિસ્ત જાળવવા અને ભ્રષ્ટાચારને જડમૂળથી ડામવા માટે લેવાયેલા આ આક્રમક પગલાથી સનદી અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ભારે ચર્ચા અને ફફડાટ વ્યાપી ગયો છે. સરકારના આ કડક મિજાજથી સ્પષ્ટ થાય છે કે વહીવટી કામકાજમાં ગેરરીતિ આચરનારાઓને હવે બક્ષવામાં નહીં આવે.

આ કડક કાર્યવાહી હેઠળ ગાંધીનગર સ્થિત ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશન્સ સોસાયટી (GSTDREIS) ના સિનિયર સ્કેલના સંયુક્ત કમિશનર ડી.આઈ. ભગલાણી અને ગાંધીનગર સ્થિત ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના એમડી (મેનેજિંગ ડિરેક્ટર) જે.એમ. તુવરને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. રાજ્ય વહીવટી તંત્રના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને અધિકારીઓ સામે લાંબા સમયથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની અનેક ફરિયાદો મળી રહી હતી. આ ગંભીર આક્ષેપોની પ્રાથમિક વિગતોના આધારે સરકાર દ્વારા અગાઉ તેમની સામે ખાતાકીય તપાસ (ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી) ના પણ આદેશો અપાયા હતા અને તેમના સમગ્ર સેવા રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

આ અગાઉ આ જ મહિનાની શરૂઆતમાં રાજ્ય સરકારે બે વરિષ્ઠ IAS અધિકારીઓ કંકીપાટી રાજેશ અને ગૌરવ દહિયાને પણ ફરજિયાત નિવૃત્તિના આદેશો આપ્યા હતા, જેમાં 2011 બેચના IAS અધિકારી કંકીપાટી રાજેશ જુલાઈ 2022થી સસ્પેન્શન હેઠળ રહીને CBI અને EDની તપાસનો સામનો કરી રહ્યા છે, જ્યારે 2010 બેચના IAS અધિકારી ગૌરવ દહિયા સામે ઓગસ્ટ 2019માં સસ્પેન્શનની કાર્યવાહી થઈ હતી. સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા વિવિધ વિભાગોમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલી શિસ્તભંગની કાર્યવાહીઓને વધુ ઝડપી બનાવાઈ છે, જે દર્શાવે છે કે સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે અને આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે સપાટો બોલાવવાનું ચાલુ રહેશે.

LATEST ARTICLES