દિવાળીના તહેવારો હવે સાવ નજીક આવી ગયા છે ત્યારે જ રાજ્યના GST વિભાગે બપોરે 1:30 વાગ્યાની આસપાસ અમદાવાદ અને વડોદરામાં મોટાપાયે દરોડાનો દોર શરૂ કરીને વેપારી આલમ અને ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ મચાવી દીધો છે. સ્ટેટ GSTના અન્વેષણ-રેડ વિભાગના કમિશનરના કડક આદેશ બાદ રાજકોટ સહિત રાજ્યભરમાંથી હાઇલેવલના અધિકારીઓ અને ઇન્સ્પેકટરોને તાત્કાલિક મેદાને ઉતારવામાં આવ્યા હતા. બપોરથી જ શરૂ થયેલી આ અચાનક કાર્યવાહીથી સિરામિક કાર કોટીંગના ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે અને ટેક્સ ચોરી કરતા તત્વોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.
ટોચના અધિકારીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડામાં અમદાવાદમાં 2 અને વડોદરામાં 14 થી 15 જેટલા સિરામિક કાર કોટીંગ કરતા ગુજરાતના મોટા રીટેલરોને સકંજામાં લેવાયા છે. નવી કારમાં ઉપરથી સિરામિક કોટીંગ કરાવવું ખૂબ જ મોંઘું પડે છે અને તેના પર 18 ટકા GST લાગુ થાય છે. આ તમામ રીટેલરો દ્વારા મોટાપાયે ટેક્સ ચોરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક સર્વેમાં બહાર આવ્યા બાદ જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન સંખ્યાબંધ સ્થળોએથી કોમ્પ્યુટર ફ્લોપી, બુક્સ ઓફ એકાઉન્ટ્સ અને કાચી ચિઠ્ઠીઓ જપ્ત કરીને સઘન તપાસ શરૂ કરાઈ છે.
આ મેગા સર્વેની કાર્યવાહી હજુ મોડી સાંજ સુધી ચાલી રહી છે, જેમાં ટેક્સ ચોરીના મોટા આંકડા બહાર આવે અને સંડોવાયેલા વેપારીઓના નામો સત્તાવાર રીતે જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. તહેવારોની મોસમ ટાણે જ GST વિભાગના આ સપાટાથી બોગસ બિલિંગ અને ટેક્સ ચોરીનું નેટવર્ક ચલાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી સમયમાં આ તપાસના આધારે રાજ્યભરમાં અન્ય સ્થળોએ પણ દરોડાનો વ્યાપ વધી શકે છે તેવી ચર્ચાઓ વેપારી આલમમાં જોરશોરથી ચાલી રહી છે.
