મંગળવારના રોજ યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના અગત્યના ગલ્ફ ક્ષેત્ર પર મોટો હુમલો કર્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ હુમલામાં સાઉદી અરેબિયાની સૌથી મોટી અને મહત્વપૂર્ણ એવી રાસ તાનુરા ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી છે. દુબઈથી મળેલી માહિતી મુજબ, ઈરાનનું સમર્થન ધરાવતા આ વિદ્રોહી જૂથે અગાઉ પણ અનેકવાર આવા હુમલા કર્યા છે, પરંતુ આ વખતે સીધા દેશની સૌથી મોટી ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થવાથી મામલો ગંભીર બન્યો છે.
રાસ તાનુરા રિફાઈનરી સાઉદી અરેબિયાના પર્શિયન ગલ્ફ કિનારે આવેલી છે અને દેશની ઓઈલ સપ્લાય ચેઈનનો મુખ્ય આધાર છે. ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા કરવામાં આવેલા આ હુમલા પાછળનો હેતુ સાઉદીની આર્થિક અને ઊર્જા ક્ષમતાને નબળી પાડવાનો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ હુમલાને કારણે રિફાઈનરીને કેટલું નુકસાન થયું છે અને ઓઈલ પ્રોડક્શન પર કોઈ અસર પડી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ આંકડા કે વિગતો બહાર આવી નથી.
આ ઘટના બાદ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો અને ઊર્જા સુરક્ષાને લઈને ચિંતાઓ ઊભી થઈ છે કારણ કે સાઉદી અરેબિયા વિશ્વના મુખ્ય ઓઈલ સપ્લાયર્સમાંથી એક છે. આગામી સમયમાં સાઉદી સુરક્ષા દળો અને ગઠબંધન સેના દ્વારા આ હુમલાના જવાબમાં કેવા પગલાં લેવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે આ બાબતે શું પ્રતિક્રિયાઓ આવે છે તેના પર સૌની નજર રહેશે.
