મંગળવારે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડના બોલરોની ધોલાઈ કરતા મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરીને ભારત સામે 199 રનનો ટાર્ગેટ મૂક્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમે માત્ર 13.2 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અભિષેક અને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ઓપનિંગમાં આવીને મેચની શરૂઆતથી જ વિરોધી ટીમ પર આક્રમણ બોલાવ્યું હતું અને ટીમને શાનદાર જીત અપાવી હતી.
ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માએ માત્ર 38 બોલમાં 9 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી ધમાકેદાર 113 રન બનાવ્યા હતા. તેણે માત્ર 35 બોલમાં જ પોતાની સદી પૂરી કરી લીધી હતી અને ભારત માટે મેન્સ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં વિરાટ કોહલીને પાછળ પાડી દીધો છે. હવે અભિષેકના નામે આ ફોર્મેટમાં કુલ 11 સદી થઈ ગઈ છે, જ્યારે કોહલીના નામે 10 સદી છે. ગ્લોબલ સ્તરે હવે અભિષેક માત્ર ક્રિસ ગેઇલ (22) અને બાબર આઝમ (13) પછી ત્રીજા નંબરે પહોંચી ગયો છે. આ ઉપરાંત અભિષેક અને વૈભવે પાવરપ્લેમાં 118 રન ફટકારીને ફુલ મેમ્બર દેશોમાં મેન્સ ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ પાવરપ્લે ટોટલનો નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
આ જીત સાથે ભારતે 5 મેચની સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન ડેરિલ મિચેલે અણનમ 89 રનની ઇનિંગ રમીને ટીમને 199 રનના સ્કોર સુધી પહોંચાડી હતી, પરંતુ ભારતીય બેટિંગ લાઇનઅપ આગળ આ સ્કોર નાનો સાબિત થયો. ભારતે 40 બોલ બાકી રહેતા જ મેચ જીતી લીધી હતી અને હવે સિરીઝની બાકીની 2 મેચો પહેલા જ ટ્રોફી પર કબજો જમાવી લીધો છે.
