JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

કેલિફોર્નિયાના બિલિયોનેર ટેક્સથી થશે મોટું નુકસાન, સ્ટેટને 39 અબજ ડૉલરનું ફટકો પડવાની આશંકા

Oct 27, 2026 | 16:42 | By JAMNAGAR MIRROR
કેલિફોર્નિયાના બિલિયોનેર ટેક્સથી થશે મોટું નુકસાન, સ્ટેટને 39 અબજ ડૉલરનું ફટકો પડવાની આશંકા
કેલિફોર્નિયામાં પ્રસ્તાવિત નવા બિલિયોનેર ટેક્સને લઈને સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓએ મોટો દાવો કર્યો છે. આ ટેક્સથી અપેક્ષિત આવક સામે રાજ્યને લાંબાગાળે આશરે 39 અબજ ડૉલરનું મોટું આર્થિક નુકસાન થઈ શકે છે કારણ કે ધનિક લોકો સ્ટેટ છોડીને જઈ રહ્યા છે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આગામી 3 નવેમ્બરની ચૂંટણીમાં વોટર્સ સમક્ષ પ્રસ્પોઝિશન 40 નામનો એક મહત્વનો બિલિયોનેર ટેક્સનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ હેઠળ રાજ્યના થોડા સો બિલિયોનેર રેસિડન્ટ્સ પર 1 જાન્યુઆરી 2026ની સ્થિતિએ તેમની નેટવર્થ પર એક જ વાર 5 ટકા ટેક્સ વસૂલવાની યોજના છે. સમર્થકોનું માનવું છે કે આનાથી આશરે 100 અબજ ડૉલરની કમાણી થશે, જેમાંથી 90 ટકા રકમ હેલ્થકેર પાછળ ખર્ચવામાં આવશે. જોકે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા હૂવર ઇન્સ્ટિટ્યૂશનના બે અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલા નવા વિશ્લેષણમાં ચેતવણી આપવામાં આવી છે કે આ પ્રસ્તાવ ધારણા કરતાં ઘણો ઓછો ફાયદો કરાવશે અને તેનાથી સ્ટેટને અંતે લગભગ 39 અબજ ડૉલરનું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.

નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ આ ટેક્સથી માત્ર 30 અબજ ડૉલર જ એકઠા થઈ શકશે, જે સમર્થકોના અંદાજ કરતાં એક તૃતીયાંશ કરતા પણ ઓછો છે. આનું મુખ્ય કારણ એ છે કે કેલિફોર્નિયાના ધનિક લોકો સ્ટેટ છોડીને પલાયન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ફોર્બ્સ રેન્કિંગ અને રિયલ એસ્ટેટ રેકોર્ડ્સના આધારે જાણવા મળ્યું છે કે અમીરોના જવાના કારણે સંભવિત ટેક્સ બેઝમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. ગૂગલના કો-ફાઉન્ડર્સ લારી પેજ, સર્ગેઈ બ્રિન અને પીટર થિલ જેવા મોટા નામો સહિત 7 બિલિયોનેર્સ તો પહેલેથી જ કેલિફોર્નિયા છોડી ચૂકેલા છે, જેમની કુલ સંપત્તિ આશરે 540 અબજ ડૉલર જેટલી થાય છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આવા મોટા માથાઓના સ્ટેટ છોડીને જવાથી લાંબાગાળે વાર્ષિક ઇન્કમ ટેક્સની આવકમાં દર વર્ષે 1 અબજ ડૉલરથી 3.5 અબજ ડૉલર સુધીનો ઘટાડો થશે.

આ સમગ્ર મુદ્દે રાજકારણ અને વિવાદ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ટેક્નોલોજી ક્ષેત્રના બિલિયોનેર્સે આ પ્રસ્તાવના વિરોધમાં 340 મિલિયન ડૉલરથી વધુનું ફંડ આપ્યું છે. એકલા સર્ગેઈ બ્રિને આ વિરોધમાં 100 મિલિયન ડૉલરથી વધુ દાન આપ્યું છે, જ્યારે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે પણ આ બિલિયોનેર ટેક્સનો વિરોધ કર્યો છે કારણ કે તેનાથી અમીરો રાજ્ય છોડીને ચાલ્યા જશે. બીજી તરફ અન્ય કેટલાક અર્થશાસ્ત્રીઓનું એવું પણ માનવું છે કે જો બિલિયોનેર્સ પાછા ફરે અથવા નવી સંપત્તિ ઊભી થાય તો આ નુકસાનની ભરપાઈ પણ થઈ શકે છે, પરંતુ હાલ તો કેલિફોર્નિયાના આ ટેક્સ પ્રસ્તાવ પર દેશભરમાં ભારે ચર્ચા જાગી છે.

LATEST ARTICLES