જામનગરમાં સામાજિક સમરસતા અને ભાઈચારો વધે તેવા શુભઆશયથી તારીખ 27ના રોજ એક પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 1માં આવતા બેડી, હાલાર સોલ્ટ, જોડીયા ભૂંગા, બેડેશ્વર, ધરારનગર, વૈશાલી નગર, એક ડે એક અને ઘરબાર પાળો જેવા વિવિધ વિસ્તારોમાં બાળકો માટે લહાણી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ખાસ કાર્યક્રમ અંતર્ગત વોર્ડની અંદાજે 22 ગલીઓમાં જઈને કુલ 1,500 જેટલા નાના બાળકોને ઉત્સાહભેર લહાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
આ સમગ્ર કાર્યક્રમ વોર્ડ નં. 1ના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, કોર્પોરેટર ઇસ્માઇલ માણેક એડવોકેટ, કોર્પોરેટર સારાબેન ચમડિયા તથા કોર્પોરેટર ઝરીનાબેન સુંભણિયાના સંયુક્ત પ્રયાસોથી સફળ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા ભાજપ મંત્રી જેતુંનબેન બેલાઈ, વોર્ડ મહામંત્રી હિતેશ જાની, જેન્તીભાઈ પ્રજાપતિ, કમલભાઈ ચમડિયા, ભાવેશભાઈ મુછળિયા, રમેશભાઈ તેમજ હાજીભાઈ સુંભણિયા સહિતના સ્થાનિક આગેવાનો અને ગલીઓના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે તેમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમાજનાં બાળકોએ કોઈ પણ ભેદભાવ વિના ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વોર્ડની અલગ-અલગ ગલીઓમાં યોજાયેલા આ મિલન દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત કરવાનો પ્રયાસ થયો હતો. વોર્ડ નં. 1ની આખી ટીમ દ્વારા સર્વસમાજના બાળકો સાથે હળીમળીને ઉજવણી કરવામાં આવતા સ્થાનિક રહીશોએ પણ આ સુંદર પહેલને ખુલ્લા મનથી વધાવી લીધી હતી.
