JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

અભિષેક અને વૈભવની આંધીમાં ઉડ્યું ન્યુઝીલેન્ડ, ભારતે માત્ર 13.2 ઓવરમાં T20 સિરીઝ પર જમાવ્યો કબજો

Oct 27, 2026 | 16:10 | By JAMNAGAR MIRROR
અભિષેક અને વૈભવની આંધીમાં ઉડ્યું ન્યુઝીલેન્ડ, ભારતે માત્ર 13.2 ઓવરમાં T20 સિરીઝ પર જમાવ્યો કબજો
ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર બેટિંગ કરીને 199 રનનો ટાર્ગેટ માત્ર 13.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો છે. ઓપનર અભિષેક શર્માએ તોફાની સદી ફટકારી હતી જ્યારે યુવા વૈભવ સૂર્યવંશીએ પણ શાનદાર સાથ આપીને ભારતને અદભુત જીત અપાવી છે. આ શાનદાર વિજય સાથે ભારતે સિરીઝ પર પણ કબજો કરી લીધો છે.

વેલિંગ્ટનમાં રમાયેલી રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડે ભારત સામે જીતવા માટે 199 રનનો મોટો ટાર્ગેટ મૂક્યો હતો, પરંતુ ભારતીય બેટ્સમેનોએ કિવી બોલરોની ધજાગી ઉડાવી દીધી હતી. ક્રાઇસ્ટચર્ચ બાદ વેલિંગ્ટનમાં પણ ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને ન્યુઝીલેન્ડની ટીમને મેચ તેમજ સિરીઝ બંનેમાંથી બહાર કરી દીધી છે. મેચની શરૂઆતથી જ ભારતીય ઓપનર્સે મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો અને ન્યુઝીલેન્ડના બોલરો લાચાર નજરે પડ્યા હતા.

મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી ડેરિલ મિશેલે 52 બોલમાં શાનદાર 89 રન બનાવ્યા હતા અને બેવોન જેકબ્સે 23 બોલમાં અણનમ 39 રન ફટકારીને ટીમને 199 રનના સ્કોર સુધી પહોંચાડી હતી. જવાબમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ માત્ર 38 બોલમાં 113 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં તેણે માત્ર 35 બોલમાં પોતાની ચોથી T20 સદી પૂરી કરી હતી. તેની સાથે જ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પણ માત્ર 19 બોલમાં 45 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓએ માત્ર 43 બોલમાં જ 133 રનની ભાગીદારી કરીને મેચનું પાસું જ પલટી નાખ્યું હતું. ભારત તરફથી બોલિંગમાં અક્ષર, અર્શદીપ અને નીતિશ કુમાર રેડ્ડીએ એક-એક વિકેટ ઝડપી હતી.

આ મેચમાં પાવરપ્લે દરમિયાન ભારતીય બેટ્સમેનોએ એવો રેકોર્ડ બનાવ્યો જે ક્રિકેટ જગતમાં લાંબા સમય સુધી યાદ રહેશે. ભારતે પહેલી ઓવરમાં 26, બીજીમાં 17, ત્રીજીમાં 21, ચોથીમાં 20 અને પાંચમી ઓવરમાં 16 રન બનાવીને માત્ર 5 ઓવરમાં જ 100 રન પૂરા કર્યા હતા, જે એક રેકોર્ડ છે. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં 18 રન બનાવીને ભારતે T20 આંતરરાષ્ટ્રીય પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બનાવતા પ્રથમ 6 ઓવરમાં 118 રન ફટકાર્યા હતા. વૈભવ 19 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે અભિષેક 113 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અંતે કેપ્ટન શ્રેયસ ઐયર અને સંજુ સેમસન ભલે જલ્દી આઉટ થઈ ગયા, પરંતુ ટીમે માત્ર 13.2 ઓવરમાં જ લક્ષ્યાંક પાર કરી લીધો હતો અને સિરીઝમાં 3-0 ની અજેય बढ़त મેળવી લીધી છે.

LATEST ARTICLES