દુનિયાભરમાં પોતાની અદભુત ભવ્યતા અને વૈભવ માટે જાણીતું દુબઈ હવે વધુ એક અનોખા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે, જ્યાં લોકો ખરેખર સોનાના રસ્તા પર ચાલી શકશે. અત્યાર સુધી આપણે સોનાના મહેલો અને ઈમારતોની વાતો સાંભળી હતી, પરંતુ હવે દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં 24 કેરેટ સોનાનો રસ્તો બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટના વાણિજ્ય વિભાગના વરિષ્ઠ નિયામક રાશિદ અલ હરમૂદીના જણાવ્યા અનુસાર, આગામી બે મહિનામાં જ આ અનોખો વોકવે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે, જે વિશ્વમાં પોતાની જાતનો પ્રથમ અને સૌથી લાંબો સોનાનો રસ્તો હશે.
દુબઈના જાણીતા દૈરા વિસ્તારમાં આવેલા ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, જ્યાં સોનાના વેપાર માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ ખરીદી કરવા આવે છે. જાન્યુઆરી 2026માં શરૂ થયેલા આ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટમાં હાલમાં સોના, ઝવેરાત, કિંમતી ધાતુઓ અને વૈભવી ચીજવસ્તુઓના 1000થી વધુ વેપારીઓ કાર્યરત છે. દુબઈ સરકાર આ વિસ્તારને માત્ર ખરીદીના બજાર પૂરતો સીમિત રાખવાને બદલે એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માગે છે. અહીં સોનાના જથ્થાબંધ વેપારની નવી કચેરીઓમાં 20 ટકા અને નવા સ્ટોર્સની સંખ્યામાં 15 ટકાનો વધારો નોંધાયો છે, તેમજ મધ્યપૂર્વનું સૌથી મોટું સોના અને ઝવેરાતનું પ્રદર્શન યોજવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
જોકે, આ સોનાના રસ્તાની જાહેરાતે વિશ્વભરમાં ભારે ઉત્સુકતા જગાવી છે ત્યારે તેની ચોક્કસ લંબાઈ, પહોળાઈ અને તેમાં કેટલા કિલો સોનું વપરાશે તથા સોનું કઈ પદ્ધતિથી ઉપયોગમાં લેવાશે તેની વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ, સુરક્ષા વ્યવસ્થા અને પ્રવાસીઓ માટેની શરતો પણ હાલ ગુપ્ત રાખવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આ જાહેરાત એવા સમયે સામે આવી છે જ્યારે દુબઈમાં જ સોનાનાં ઝુમખાંની જોડીએ વિશ્વનાં સૌથી ભારે અને મોટાં કાનનાં ઘરેણાં તરીકે 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ રસ્તો પૂરો થયા બાદ જ તેની વાસ્તવિક વિશેષતાઓ દુનિયા સમક્ષ સ્પષ્ટ થશે.
