રાજકોટ શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ અને દેહ વ્યાપારના દૂષણને ડામવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા તથા એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને ખાસ સૂચનાઓ અપાઈ હતી. આ જ ક્રમમાં એ.એચ.ટી.યુ.ની ટીમે બાતમીના આધારે શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડીને મેરેજ બ્યુરો અને મસાજ સ્પાની આડમાં ચાલતા મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમાંતર ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 4 પરપ્રાંતીય પીડિત યુવતીઓને મુક્ત કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ સફળતા વિરાણી ચોક પાસે ગુરુરક્ષા કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ નંબર 207માં ધમધમતા શ્રી મેરેજ બ્યુરોમાંથી મળી હતી, જ્યાં ડમી ગ્રાહક મોકલીને પોલીસે રેઇડ કરી હતી. આ ઓફિસમાંથી સંચાલક જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતનભાઈ પુજારા (ઉં.વ. 51) અને મીત ચેતનભાઈ પુજારા (ઉં.વ. 22) રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જેઓ ગ્રાહકો પાસેથી 1000 રૂૂપિયા એન્ટ્રી ફી લઈને દેહ વિક્રય કરાવતા હતા. પોલીસે ત્યાંથી રોકડા ₹3400, કોન્ડોમ પેકેટ અને મોબાઈલ મળી કુલ ₹8800નો મુદ્દામાલ જપ્ત કરી 1 યુવતીને મુક્ત કરાવી હતી. જ્યારે બીજી રેઇડ કાલાવડ રોડ પર મહિલા કોલેજ ચોક નજીક કોસ્મો કોમ્પ્લેક્ષના પાંચમા માળે આવેલા ફ્લોરેન્સ વેલનેસ સ્પા પર કરવામાં આવી હતી. આ સ્પામાં એન્ટ્રી ફીના 1000 રૂૂપિયા અને એક્સ્ટ્રા સર્વિસના 2500 રૂૂપિયા વસૂલીને દેહ વ્યાપાર ચલાવતા સંચાલક ગણેશ લક્ષ્મણજી મીના (ઉં.વ. 23, રહે. ઉદયપુર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. સ્પામાંથી રોકડા ₹7210 અને મોબાઈલ સહિત કુલ ₹17,210નો મુદ્દામાલ કબ્જે કરી 3 યુવતીઓને છોડાવવામાં આવી હતી.
આ સમગ્ર સફળ ઓપરેશન બાદ પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એક્ટ, 1956ની કલમ 3, 4 અને 5 મુજબ ગુના દાખલ કરીને આગળની કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. આ દરોડાની કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. પઢિયાર, પીએસઆઈ એસ. પી. ચૌહાણ સહિતના સ્ટાફે સરાહનીય ભૂમિકા ભજવી હતી. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી રાજકોટમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
