JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

અમેરિકાના ઓહાયોમાં ચૂંટણી અંગે ખોટી માહિતી આપતા AI ચેટબોટ્સ સામે મોરચો મંડાયો

Oct 27, 2026 | 16:00 | By JAMNAGAR MIRROR
અમેરિકાના ઓહાયોમાં ચૂંટણી અંગે ખોટી માહિતી આપતા AI ચેટબોટ્સ સામે મોરચો મંડાયો
ઓહાયો રાજ્યએ મતદારોને અપીલ કરી છે કે જો ChatGPT, Claude કે Grok જેવા AI પ્લેટફોર્મ્સ ચૂંટણી સંબંધિત ખોટી કે ભ્રામક માહિતી આપે તો તરત જ તેના સ્ક્રીનશૉટ્સ મોકલીને રિપોર્ટ કરો. આ પહેલનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં સાચી માહિતી પહોંચાડવાનો અને ટેક્નોલોજી કંપનીઓ સાથે મળીને ભૂલ સુધારવાનો છે.

અમેરિકાના ઓહાયો રાજ્યમાં આગામી મિડટર્મ ઇલેક્શન પહેલા એક ખૂબ જ રસપ્રદ અને મહત્વની પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યના સેક્રેટરી ઓફ સ્ટેટ ફ્રેન્ક લા2રોઝે મતદારોને અપીલ કરી છે કે તેઓ ChatGPT, Claude અને Grok જેવા પોપ્યુલર AI ચેટબોટ્સ દ્વારા મળતી ચૂંટણી લગતી ખોટી કે ભ્રામક માહિતીના સ્ક્રીનશૉટ્સ તેમની ઓફિસને મોકલે. આજકાલ લોકો નાની-મોટી માહિતી માટે AI પર નિર્ભર રહે છે, પરંતુ ચૂંટણી જેવા સંવેદનશીલ વિષય પર ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે જેથી મતદારો સુધી માત્ર સાચા તથ્યો જ પહોંચે.

આ અનોખી ઝુંબેશ હેઠળ જો કોઇ પણ મતદારને AI પ્લેટફોર્મ પાસેથી ખોટી માહિતી મળે, તો તેમણે પ્રોમ્પ્ટ, સંપૂર્ણ જવાબ અને જે પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હોય તેની વિગતો સાથેના સ્ક્રીનશૉટ્સ મોકલવાના રહેશે. આ રિપોર્ટ્સ @VerifyOhio ના સોશિયલ મીડિયા હેન્ડલ્સ એટલે કે X, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ કરીને અથવા helpmeout@ohiosos.gov ઈમેલ આઈડી પર મોકલી શકાશે. રાજ્યની સાયબર સિક્યુરિટી અને ટેક્નોલોજી ટીમ આ તમામ ડેટાના આધારે AI કંપનીઓ સાથે મળીને કામ કરશે અને વેબસાઇટ પરની માહિતી વધુ સચોટ બનાવશે. અગાઉ રાજ્યની તમામ 88 કાઉન્ટી બોર્ડ ઓફ ઇલેક્શન્સની મદદ માટે EVA એટલે કે ઇલેક્શન વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ નામનું ટૂલ પણ વિકસાવવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા મતદારોને ખાસ સલાહ આપવામાં આવી છે કે મતદાનના કલાકો, સેન્ટર્સ કે ડેડલાઇન જેવી બાબતો હંમેશા VoteOhio.gov અથવા અધિકૃત સરકારી સ્ત્રોતો પરથી જ કન્ફર્મ કરવી. AI ભલે ગમે તેટલા આત્મવિશ્વાસ સાથે જવાબ આપે, પરંતુ તે ખોટું કે આઉટડેટેડ પણ હોઈ શકે છે. સરકાર ટેક્નોલોજી અને ઇનોવેશનને આવકારે છે, પરંતુ ચૂંટણીના મામલામાં સત્તાવાર સ્ત્રોતો જ સૌથી ભરોસાપાત્ર સાબિત થાય છે તેવું અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે.

LATEST ARTICLES