જેલની ઊંચી દીવાલો અને લોખંડી સુરક્ષા વ્યવસ્થાને ભેદીને કેદીઓ નાસી છૂટવાની સનસનાટીભરી ઘટના તમિલનાડુના થેની જિલ્લામાંથી સામે આવી છે. થેની જેલમાં એક જ સેલમાં બંધ 17 જેટલા કેદીઓએ પૂર્વઆયોજિત ષડયંત્રના ભાગરૂપે જેલના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો અને અંધારાનો લાભ લઈને જેલ પરિસરમાંથી ફરાર થઈ ગયા હતા. આ મોટી ઘટના બાદ સમગ્ર વિસ્તાર તેમજ આસપાસના જિલ્લાઓમાં ભારે દોડધામ અને હડકંપ મચી ગયો છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તુરંત જ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે, જેમાં અત્યાર સુધીમાં ફરાર થયેલા કેદીઓ પૈકી 1 કેદીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે બાકીના 16 કેદીઓની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
પોલીસ દ્વારા મળેલી પ્રાથમિક વિગતો મુજબ, ભાગી ગયેલા તમામ 17 આરોપીઓ જેલના એક જ સેલમાં કેદ હતા. મોડી રાત્રે આ કેદીઓ પૈકી એકની તબિયત અચાનક લથડી હોવાની બૂમાબૂમ કરીને જેલ સ્ટાફને સતર્ક કરવામાં આવ્યો હતો. માનવતાના ધોરણે અને સ્થિતિની ગંભીરતા સમજીને જેવા જેલકર્મીઓ તપાસ કરવા માટે સેલની અંદર ગયા, કે તરત જ અગાઉથી ઘડેલા પ્લાન મુજબ કેદીઓએ કર્મચારીઓ પર હિચકારો અને હિંસક હુમલો કરી દીધો હતો. સ્ટાફને સંભાળવાની કે વળતો પ્રહાર કરવાની જરાપણ તક આપ્યા વગર આ તમામ કેદીઓ સુરક્ષા ઘેરાને તોડીને અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા.
દક્ષિણ ઝોનના IGP વિજયેન્દ્ર બિદારીએ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે પોલીસની સઘન તપાસ અને સર્ચ ઓપરેશન દરમિયાન ભાગેલા કેદીઓમાંથી 1 કેદીને પકડી લેવામાં આવ્યો છે. જોકે, હજુ પણ મોટો પડકાર બાકી હોવાથી બાકી રહેલા 16 કેદીઓને વહેલી તકે શોધીને ફરીથી જેલભેગા કરવા માટે તંત્ર દ્વારા ખાસ 17 સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી છે. આ તમામ ટીમો ફરાર કેદીઓના સંભવિત ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી છે અને ટૂંક સમયમાં જ બધા આરોપીઓ પોલીસની પકડમાં હશે તેમ મનાય છે.
