રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યારે અચાનક જ વગર વરસાદે પાણી-પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે એરપોર્ટની કામગીરી પર માઠી અસર પડી છે. હીરાસર ખાતે આવેલા આ કરોડોના એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇનમાંથી અચાનક પાણી લીક થવાની ગંભીર સમસ્યા સામે આવી છે. છેલ્લા 2 દિવસથી આ પ્રકારે સતત પાણી લીક થઈને કાર્ગો ફ્લોર પર ફરી વળ્યું છે, જેના કારણે ત્યાં કામ કરતા કર્મચારીઓ માટે પણ મોટું જોખમ ઊભું થયું છે. આ પાણી ધીમે-ધીમે ઇલેક્ટ્રિક બોર્ડ સુધી પહોંચી જતાં ગમે ત્યારે શોર્ટ સર્કિટ થવાની પૂરી આશંકા સેવાઈ રહી છે.
આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કર્મચારીઓની સુરક્ષા ખાતર કાર્ગોની તમામ કામગીરી અટકાવી દેવાની ફરજ પડી છે. આ અચાનક સર્જાયેલા વિઘ્નને કારણે માલસામાનના પરિવહન પર પણ સીધી અસર પડી છે, જેમાં એક જ એરલાઇન્સનો અંદાજે રૂા. 2 લાખની કિંમતનો 4 ટન માલ સમયસર લોડ થઈ શક્યો નથી. એરપોર્ટ પર ફ્લોર ભરાઈ જવાના કારણે સમયસર માલ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે અને વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરોને પણ વચગાળાની અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ એરપોર્ટનું નિર્માણ કુલ રૂા. 2,654 કરોડના માતબર ખર્ચે કરવામાં આવ્યું છે. આટલી અધધ રકમ ખર્ચ્યા પછી પણ જો આવા પ્રીમિયમ પ્રોજેક્ટમાં સામાન્ય પાઇપલાઇન લીકેજ જેવી પ્રાથમિક સમસ્યાઓ સામે આવે, તો એરપોર્ટની ગુણવત્તા અને સમયસર જાળવણી સામે મોટા સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. કર્મચારીઓની જિંદગી જોખમાય તેવી આ સ્થિતિમાં વહેલી તકે લીકેજ રિપેર કરીને કાર્ગો સેવાઓ ફરીથી રાબેતા મુજબ શરૂ કરવા માટે ભારે દબાણ ઊભું થયું છે.
