અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતી એક ઘટના સામે આવી છે, જેમાં ખુદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના પત્ની જ ચેઈન સ્નેચરોનો શિકાર બન્યા છે. શેલા વિસ્તારમાં રહેતા PSI ના પત્ની પોતાના પુત્ર સાથે કોઈ કામ અર્થે બહાર ગયા હતા અને કામ પતાવીને પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ સોસાયટીના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બાઈક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેમને નિશાન બનાવ્યા હતા અને આંખના પલકારામાં સોનાની ચેઈન આંચકીને ફરાર થઈ ગયા હતા.
બનાવની વિગતવાર વાત કરીએ તો, મહિલા પોતાના પુત્ર સાથે રસ્તા પર ચાલી રહી હતી ત્યારે અચાનક એક બાઈક તેમની નજીક આવ્યું હતું. બાઈકચાલકે વાહન ધીમું પાડતા જ તેની પાછળ બેઠેલા અજાણ્યા શખ્સે ચાલુ બાઈકે મહિલાના ગળા પર જોરથી ઝપટ મારીને સોનાની કિંમતી ચેઈન તોડી નાખી હતી. અચાનક બનેલી આ ઘટનાથી મહિલા એટલા બધા હેબતાઈ ગયા કે તેઓએ તાત્કાલિક બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ તે પહેલાં જ બંને સ્નેચરો પોતાનું બાઈક ભગાડીને પૂરપાટ ઝડપે રફુચક્કર થઈ ગયા હતા. ધોળે દિવસે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કાળજીપૂર્વક ચકાસ્યા હતા, જેમાં બાઈક પર આવેલા બંને સ્નેચરો સ્પષ્ટપણે કેદ થયેલા નજરે ચડ્યા છે. સીસીટીવીમાં દેખાયેલા બાઈકના નંબર અને આરોપીઓના હૂલિયાના આધારે બોપલ પોલીસે ગુનો નોંધીને વિવિધ ટીમો બનાવીને વિસ્તારમાં નાકાબંધી હાથ ધરી છે. જો કે, પોલીસ પરિવારના સભ્યો જ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાની સલામતીનું શું? તેવા પ્રશ્નો સાથે સ્થાનિક રહીશોમાં મોટો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
