JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

રૂપિયાને બચાવવા માટે ફોરેક્સ રિઝર્વનો આડેધડ ઉપયોગ ન કરવો જોઈએ: રઘુરામ રાજનનો મોટો દાવો

Oct 27, 2026 | 14:10 | By JAMNAGAR MIRROR
રૂપિયાને બચાવવા માટે ફોરેક્સ રિઝર્વનો આડેધડ ઉપયોગ ન કરવો જોઈએ: રઘુરામ રાજનનો મોટો દાવો
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતને સલાહ આપી છે કે રૂપિયાના ઘટાડા સામે કોઈ પણ ભોગે તેનું રક્ષણ કરવાની લાલચમાં ન પડવું જોઈએ. તેમણે કહ્યું કે નબળો રૂપિયો દેશની એક્સપોર્ટ વધારવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે અને ફોરેક્સ રિઝર્વનો અતિશય ઉપયોગ ટાળવો જરૂરી છે.

રૂપિયામાં સતત થઈ રહેલા ઘટાડા અને તેની નબળી સ્થિતિ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને 27 ઓક્ટોબરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતે કોઈપણ ભોગે રૂપિયાને બચાવવાની લાલચમાં ન આવવું જોઈએ, ભલે પછી કરન્સી વધુ નબળી કેમ ન પડે. રાજને ચેતવણી આપી છે કે કોઈ નિશ્ચિત એક્સચેન્જ રેટ જાળવી રાખવા માટે દેશના ફોરેક્સ રિઝર્વનો અતિશય ઉપયોગ કરવો હિતાવહ નથી. ગ્લોબલ માર્કેટ્સ ફોરમમાં વાતચીતમાં તેમણે નીતિ ઘડનારાઓને ગભરાયા વગર લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ અપનાવવાની સલાહ આપી છે.

વર્તમાન વર્ષ 2026માં અત્યાર સુધીમાં રૂપિયો અંદાજે 6% જેટલો ઘસાઈ ચૂક્યો છે અને તે એશિયાની બીજા નંબરની સૌથી ખરાબ પર્ફોર્મન્સ આપતી કરન્સી બની ગઈ છે. મે મહિનામાં રૂપિયો 96.96 ની ઓલ-ટાઇમ લો સપાટી પર પહોંચી ગયો હતો. ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ, અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા સતત થઈ રહેલા ફંડના ઉપાડને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિને સંભાળવા માટે સેન્ટ્રલ બેંકે બજારમાં હસ્તક્ષેપ વધાર્યો છે. ભારતે આ વર્ષે ખાસ પગલાં દ્વારા એકત્ર કરેલા 140 અબજ ડૉલરમાંથી અડધાથી વધુ રકમ રૂપિયાને ટેકો આપવા અને બેંકિંગ સિસ્ટમની લિક્વિડિટી કંટ્રોલ કરવામાં વાપરી નાખી છે. જોકે, રાજને કહ્યું કે ઇતિહાસમાં ભારતે ક્યારેય કોઈ ચોક્કસ સ્તર માટે આક્રમક બચાવ નથી કર્યો, તેથી રિઝર્વ ઝડપથી ખાલી કરવું યોગ્ય નથી.

પૂર્વ ગવર્નરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કરન્સીનું નબળું પડવું હંમેશા નુકસાનકારક જ હોય તેવું નથી, કારણ કે તેનાથી ભારતીય ગુડ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક બને છે અને એક્સપોર્ટને વેગ મળે છે. તેમ છતાં, મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વકરવાની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવોને કારણે ઊભી થનારી ઊર્જા કટોકટી ભારત જેવા ઇમ્પોર્ટ પર નિર્ભર દેશો માટે મોટો પડકાર બની શકે છે. હાલમાં જ આરબીઆઈના વર્તમાન ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ કરન્સી સ્ટેબિલાઈઝ કરવા માટે મોનિટરી પોલિસીના સાધનો વાપરવાની શક્યતા ખુલ્લી રાખી છે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અર્થતંત્રને મજબૂત રાખવા માટે સાવચેતીપૂર્વકના પગલાં ભરવા અનિવાર્ય છે.

LATEST ARTICLES