કેનેડામાં માઈક્રોસોફ્ટ કંપની સાથે જોડાયેલી એક મહિલા કર્મચારી માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે કારણ કે તેની 1 વર્ષની મેટરનિટી લીવ પૂરી થવામાં જ છે અને તે જ સમયે કંપનીએ તેને વોલન્ટરી એક્ઝિટ પેકેજની ઓફર આપી દીધી છે. કંપનીમાં લગભગ 10 વર્ષનો લાંબો અનુભવ ધરાવતી આ મહિલાને આ ઓફરમાં આશરે 10 મહિનાના પગાર જેટલી રકમ મળી રહી છે, પરંતુ તે સ્વીકારવી કે નોકરી પર પાછા ફરવું તે અંગે તે ભારે મૂંઝવણમાં છે. નવેમ્બરમાં તેની મેટરનિટી લીવ પૂરી થવાની છે અને જાન્યુઆરીમાં તેનું બાળક ડે કેર જવાનું શરૂ કરવાનું છે, ત્યારે અચાનક આવેલી આ ઓફરે તેની કારકિર્દી અને પરિવાર બંનેનું ટેન્શન વધારી દીધું છે.
મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તે લાંબી રજા પછી કંપનીમાં પાછા ફરવા જઈ રહી હતી જ્યાં છેલ્લા કેટલાક સમયમાં ઘણો બદલાવ આવ્યો છે. જો તે નોકરી ચાલુ રાખે તો તેને ભવિષ્યમાં કંપનીમાંથી છટણી એટલે કે લેઓફનો ભોગ બનવું પડે તેવી અને ટીમ નાની થવાની બીક પણ છે, જેમાં કદાચ અત્યાર જેટલું સારું પેકેજ પણ ન મળે. આ ઉપરાંત, વર્તમાન સમયમાં નવું રિમોટ જોબ શોધવું પણ પડકારજનક છે કારણ કે તે માઈક્રોસોફ્ટના રિટર્ન-ટુ-ઓફિસ આદેશમાંથી મુક્ત હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેણે ઈન્ટરનેટ પર લોકો પાસે માર્ગદર્શન માંગ્યું હતું કે આ સ્થિતિમાં તેણે શું કરવું જોઈએ.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થતાં જ યૂઝર્સે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી છે અને મોટાભાગના લોકોએ તેના ભવિષ્યના આયોજન પર ભાર મૂક્યો છે. કેટલાક યૂઝર્સે કહ્યું કે 10 મહિનાનું પેકેજ સામાન્ય 3 થી 6 મહિનાના સેવરેજ પેકેજ કરતા ઘણું સારું છે, જ્યારે અન્ય લોકોએ બચત, ઘરનું બજેટ અને બાળકની સંભાળ જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારવા કહ્યું છે. જો કે, આ મામલે 31 ડિસેમ્બર સુધીમાં અંતિમ નિર્ણય લેવાનો હોવાથી, આ મહિલા પોતાની જોબ સિક્યોરિટી અને પરિવારના પ્લાનિંગ વચ્ચે સાચો રસ્તો શોધવા માટે મથામણ કરી રહી છે.
