ઘરમાં અચાનક રસોઈ ગેસ પૂરો થઈ જાય અને તે જ સમયે સિલિન્ડર રિફિલ કરાવવા માટે પૂરતા પૈસા ખિસ્સામાં ન હોય, તો મોટી મુશ્કેલી ઊભી થઈ જાય છે. મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ધ્યાનમાં રાખીને ભારતગેસના ગ્રાહકો માટે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. હવે ગ્રાહકોને LPG સિલિન્ડર રિફિલ કરાવવા માટે મુશ્કેલીમાંથી બચાવવા માટે ₹600 સુધીની માઇક્રો-લોન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ આખી વ્યવસ્થા ‘Buy Now, Pay Later’ એટલે કે અત્યારે સિલિન્ડર લો અને પછીથી નાણાં ચૂકવો તેવા મોડલ પર કામ કરે છે.
આ નવી સુવિધા હેઠળ પાત્રતા ધરાવતા ગ્રાહકોને LPG સિલિન્ડરના રિફિલ માટે ₹600 સુધીની માઇક્રો-લોન મળી શકે છે, જેના પર ખાસ 0 ટકા વ્યાજ લાગતું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. એટલે કે ગ્રાહક જેટલી રકમની લોન લેશે, તેટલી જ મૂળ રકમ પરત કરવાની રહેશે અને કોઈ વધારાનો વ્યાજ ભારણ નહીં રહે. આ લોનની ખાસિયત એ છે કે તેની ચુકવણી સાપ્તાહિક હપ્તામાં કરવાની છૂટ મળે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ગ્રાહક ₹600ની લોન લે છે, તો તે 6 અઠવાડિયા સુધી દર અઠવાડિયે માત્ર ₹100 ચૂકવીને આસાનીથી લોન ચੁક્તે કરી શકે છે, જેથી એકસાથે મોટી રકમ ચૂકવવાનો આર્થિક બોજ રહેતો નથી.
આ યોજનાનો લાભ મેળવવા માટે ગ્રાહકોએ પોતાના નજીકના ભારતગેસ ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરવાનો રહેશે, જ્યાંથી અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને પાત્રતાના નિયમો વિશે સચોટ માહિતી મળી જશે. જોકે, આ સુવિધા દરેક ગ્રાહકને આપમેળે મળી જ જશે તેવું નથી, કારણ કે લોનની મંજૂરી અને તેની રકમ ગ્રાહકની પાત્રતા તથા કંપનીના નિયમો પર જ આધાર રાખે છે. તેથી કોઈપણ પ્રકારની અસમંજસ ટાળવા માટે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તમામ શરતોની પૂરી માહિતી મેળવી લેવી હંમેશાં હિતાવહ રહે છે.
